Vadodara News:  વડોદરામાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પોલીસ કર્મચારી જ વિદેશી દારૂની ખેપ મારતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. વડોદરા પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ કારને અટકાવીને ચેક કરતા તેમાંથી રૂપિયા 4.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ગુનામાં પોલીસે ઘટનાસ્થળેથી ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને તેના સાથીદાર બુટલેગર વિક્રમ થાપાની ધરપકડ કરી લીધી છે.

Continues below advertisement

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50 ટકાની ભાગીદારી રાખતો હતો અને સુરતથી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ ખેપ મારી રહ્યો હતો. એટલું જ નહીં, પોલીસના ચેકિંગથી બચવા અને દારૂની હેરાફેરી કરવા માટે કોન્સ્ટેબલે ઓફિસમાં માંદગીનું બહાનું ધરીને રજા લીધી હોવાનો પણ પર્દાફાશ થયો છે.

Continues below advertisement

સુરતમાં ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સુરતના ડુમ્મસમાંથી ક્રાઈમબ્રાંચે એક કન્ટેઈનર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. સુરત ક્રાઈમબ્રાંચને માહિતી મળી હતી કે હરિયાણા પાર્સિંગની આવતા કન્ટેઈનર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લવાઈ રહ્યો છે જેને પગલે ક્રાઈમબ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. આ કન્ટેઈનર ટ્રક ડુમ્મસના ગોલ્ફ સાઈડ નજીકથી પસાર થતા અગાઉથી વોચમાં ઉભેલી પોલીસે અટકાવ્યો હતો. કન્ટેઈનર ટ્રકની તલાશી લેતા ડ્રાઈવરની કેબિનમાં ચોરખાનામાં છૂપાવેલી વિદેશી દારૂની 288 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવર ચાંદ સતનારાયણ ભારદ્વાજની 16.25 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને હરિયાણાથી ટ્રક માલિકે ચોરખાનામાં દારૂ ભરી આપ્યાનો દાવો કર્યો. આટલું જ નહીં સુરતમાં કોને આપવાનો હતો તે અંગે લોકેશનની રાહ જોઈ રહ્યો હતો. હાલ તો ક્રાઈમબ્રાંચ ટ્રકના ચાલકને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસ કસ્ટડી મેળવી છે. તો માલ મોકનારા હરિયાણાના શખ્સ અને સુરતમાં માલ મંગાવનારા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.

જૂનાગઢમાં પૂજારીનો દારુ પીતો વીડિયો વાયરલ

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત અને તેના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂ પીતો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલા આ વ્યક્તિઓના શરમજનક કૃત્યથી ભાવિક ભક્તોમાં ભારે રોષ ફેલાતા જૂનાગઢ પોલીસે તાત્કાલિક બંને ભાઈઓની અટકાયત કરી છે. તો બીજી તરફ આ બંને ભાઈઓ રામજી મંદિરના મહંત શ્રેયાસદાસ બાપુના કૌટુંબિક ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિવાદ વધતાં પોતાના બચાવમાં સ્પષ્ટતા કરી છે કે, તેમને ફસાવવા માટે અને ધાર્મિક જગ્યાને બદનામ કરવા આ જૂનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિશાલ અગ્રાવત દારૂના ગ્લાસ ભરીને બેઠા છે અને વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિને રોકી રહ્યા છે, જ્યારે તેનો ભાઈ હિરેન મોઢામાં દારૂની બોટલ રાખીને ડાન્સ કરી રહ્યા છે. વીડિયો સામે આવતાં જ જૂનાગઢ 'એ' ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી.

પોલીસે ઉપરકોટ નજીક રામજી મંદિરના ડેલામાં રહેતા બંને ભાઈઓની નિવાસસ્થાનેથી પોલીસ સ્ટેશને લઈ જઈ ગહન પૂછપરછ હાથ ધરી હતી.આ અંગે વિશાલના કાકા રજનીકાંત અગ્રવાતે  વીડિયોને ખોટો ગણાવ્યો. વધુમાં કહ્યું કે બંને મારા ભત્રીજા થયા છે અને તેમને ફસાવવા વીડિયો બનાવવામાં આવ્યો છે. તે સમયે અન્ય લોકો દારુ પીતા હતા અને મારા ભત્રીજાને બેસાડ્યો હતો. મારો ભત્રીજો વીડિયો ઉતારવાની ના પાડી છતાં તેમણે ઉતારી લીધો હતો.