વડોદરા: ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાથી સામાન્ય લોકોથી લઈને વાહન ચાલકો પણ પરેશાન છે. હવે વડોદરામાં સીએનજી ગેસમાં થયેલા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે 2.58 પૈસા વધારતા 79.56 રૂપયે ભાવ પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં 75000થી વધુ રીક્ષા ચાલકો છે. તેમણે કહ્યું કે, સતત ભાવ વધતા પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. બાળકોની ફી ભરવી પણ મુશ્કેલ બની છે. 10 રૂપિયાની જગ્યાએ મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની ફરજ પડી છે. જેથી હવે પેસેન્જરો મળતા નથી ને ધંધો થતો નથી. સરકાર ભાવ નિયંત્રણમાં લાવે તેવી રજુઆત કરવામાં આવી છે.


રસોડામાં પહોંચતા PNGના ભાવમાં મોટો વધારો


ફુગાવો દેશભરમાં લોકોને અસર કરી રહ્યો છે અને ઇંધણની કિંમતો ઝડપથી વધી રહી છે. દિલ્હીવાસીઓ માટે PNGના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં PNGના ભાવમાં હવે પ્રતિ SCM 4.25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલી કિંમતો 14 એપ્રિલથી લાગુ થશે. હાલમાં રાજધાની દિલ્હીમાં PNGની કિંમત 45.86 રૂપિયા પ્રતિ SCM થઈ ગઈ છે.


PNG ગેસનો ઉપયોગ ઘરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં થાય છે. હાલમાં ભાવ વધારાને કારણે હવે તેની અસર સામાન્ય લોકોના રસોડા પર જોવા મળશે. દિલ્હી પહેલા મંગળવારે મહારાષ્ટ્રના લોકો પીએનજીના વધેલા ભાવથી ત્રસ્ત હતા. મહારાષ્ટ્રમાં મંગળવારે સીએનજીના છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 5 અને પીએનજીના રૂ. 4.50 પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, PNGની સાથે, માર્ચથી CNGની કિંમતોમાં 12.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે.


પીએનજીનું પૂરું નામ 'પાઈપ્ડ નેચરલ ગેસ' છે. તે કુદરતી ગેસનો એક પ્રકાર છે, જેનો ઉપયોગ સામાન્ય લોકો તેમના રોજિંદા કામ માટે કરે છે. આ ગેસ પાઈપ દ્વારા ઘરો અને કારખાનાઓમાં પહોંચાડવામાં આવે છે. દિલ્હીમાં કામ કરતી મોટાભાગની ફેક્ટરીઓ PNG પર ચાલે છે. આ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. હાલમાં PNG ગેસ LPG કરતા અનેક ગણો સસ્તો છે.


ગુજરાતમાં પણ વધ્યા સીએનજી-પીએનજીના ભાવ


 દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનજી, રસોઈ ગેસ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતી મોંઘવારી વચ્ચે જનતાને મળ્યો છે વધુ એક ઝટકો.ગુજરાત ગેસે સીએનજીની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં 14 એપ્રિલની મધ્યરાત્રીથી ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારો થઈ ગયો છે. સીએનજીના ભાવમાં 2 રૂપિયા 58 પૈસાનો વધારો કરવામાં આવ્યો. હવે નવો ભાવ 79 પૈસા 56 પૈસા થઇ ગયા છે. જેને લઈ લોકોના ખિસ્સા પર બોજ વધ્યો છે.તો  વધી રહેલી મોંઘવારીને લઈ સરકાર સામે નારાજગી પણ જોવા મળી રહી છે.