વડોદરાઃ પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ છેલ્લા 36 દિવસથી ગુમ  છે, ત્યારે સ્વિટી પટેલની શોધખોળ દરમ્યાન પોલીસને દહેજ પાસેના  અટાલી ગામ પાસેથી સળગેલા અસ્થી મળ્યા છે. અસ્થિ જ્યાંથી મળ્યા તે વિસ્તારમાં જ અજય દેસાઈનુ મોબાઈલ લોકેશન જોવા મળ્યું છે. 


સ્વિટી પટેલ ગુમ થયા તે દિવસનું લોકેશન દહેજ પાસે હોવાથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે  માનવ અસ્થિ હોવાની આશંકાને પગલે એફએસએલમાં તપાસ માટે મોકલવામા આવ્યા છે. જરૂર પડે પરિવારના સભ્યોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. પી.આઈ અજય દેસાઈ પર રહસ્ય ઘેરાઇ રહ્યું છે. 


નોંધનીય છે કે, વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસની ટીમો છેલ્લા 5 દિવસથી દહેજ પંથકમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. દરમિયાન પોલીસને ૉઅટાલી ગામ નજીક 3 માળના અવાવરું મકાન અને તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતા. જેને તપાસ માટે સુરત એફએસએલમાં તપાસ મોકલ્યા છે. 


કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં છેલ્લા 5 દિવસથી સર્ચ ઓપરેશન કરી રહી છે.


અટાલી પાસેથી મળી આવેલા અસ્થિ નજીક એ.એ. દેસાઇનું મોબાઈલ લોકેશન મળી આવતા પોલીસને હવે અટારીના રૂમમાંથી મળી આવેલા નરકંકાલના રિપોર્ટ ઉપર મોટી આશા બંધાઈ છે. સોમવારે સાંજ સુધીમાં નરકંકાલનો રિપોર્ટ આવવાની શક્યતા છે.


એક તરફ એફએસએલ દ્વારા હાડકાંના નમૂના એકત્ર કરીને તપાસ શરૂ કરાઇ હતી. બીજી તરફ પોલીસને હજી સુધી રાજ્યમાં ગુમ સ્વીટી પટેલની હયાતી અંગેનો કોઈ આધારભૂત પુરાવો મળ્યો નથી. તેથી હવે રાજ્યની બહાર તપાસનો દોર લંબાવાયો છે. ગાંધીનગર ખાતે પીઆઇ દેસાઈનો એસડીએસ ટેસ્ટ શુક્રવારે કરાયો હતો અને થોડા દિવસ બાદ પણ જરૂર પડ્યે ફરી સીડીએસ ટેસ્ટ કરાશે તેમ સૂત્રોએ પાસેથી જાણવા મળ્યું છે.