વડોદરામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. મળતી જાણકારી અનુસાર, વડોદરામાં દિવાલ પડતા મહિલાનું મોત થયું હતું. શહેરના ધન્યાવી રોડ પર દિવાલ પડતા મહિલાનું મોત થયું હતું. ભારે પવનના કારણે પ્રેમિલાબેન સોલંકી નામના મહિલા પર 8 ફૂટ ઊંચી દિવાલ પડતા મોત થયુ હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગ્રેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. બાદમાં મહિલાને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.
આ મામલે ચીફ ફાયર અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટ એ સ્વીકાર્યું હતું કે સવારે ભારે પવનના કારણે દીવાલ પડી હતી જેમાં મહિલા દબાતા તેમનું મોત થયું હતું.
જામનગરમાં મકાનની છત તૂટી પડી
ગઇકાલે સાંજે બિપરજોય વાવાઝોડ કચ્છમાં લેન્ડફોલ થયું હતું જેની સૌથી વધુ અસર કચ્છ, જામનગર અને દ્રારકાના દરિયાકાંઠાને વિસ્તારમાં થઇ છે. પરિણામ સ્વરૂપ આ વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે. જામનગરના સેતાવાડ ગામમાં મકાનની છત અચાનક ધરાશાયી થતાં પરિવારના 5 લોકો ફસાઇ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતાં તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પાંચેય લોકોને સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું.
દ્વારકામાં ચાલુ વરસાદમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી બિપરજોય વાવાઝોડુ પસાર થઇ ગયું છે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દ્વારકામાં પણ વાવાઝોડા બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે.
દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.
માંડવીમાં NDRFનું રેસ્ક્યુ ઓપરેશન
કચ્છના માંડવીના બગીચા બાગ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે કેડસમા પાણી ભરાયા હતા. લોકોને ફસાયા હોવાની જાણ થતા એનડીઆરએફના જવાનો કેડસમા પાણીમાં ત્યાં પહોંચ્યા હતા અને છ જેટલા લોકોને બચાવ્યા હતા. બીજી તરફ માંડવીમાં ધરાશાયી વૃક્ષો હટાવવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.