વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી છે. વડોદરામાં ચૂંટણી અગાઉ જ રાષ્ટ્રીય સમાજ પક્ષના (RSP)3 પૂર્વ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. RSPના રાજેશ આયરે સહીત ત્રણ પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે.


રાજેશ આયરે RSPના પ્રદેશ પ્રમુખ હતા. જે હવે ભાજપમાં જોડાયા છે. વડોદરામાં RSPના રાજેશ આયરે સિવાય પૂર્ણિમા આયરે અને હેમલતા ગોરનો ભાજપમાં પ્રવેશ થયો છે.

2015માં આર.એસ.પી પાર્ટીમાંથી આર.એસ.પી પ્રદેશ પ્રમુખ રાજેશ આયરે પોતાની પેનલ સાથે વોર્ડ 9 માં ભાજપને ટક્કર આપી 4 એ 4 બેઠક પર આર.એસ.પીને વિજય અપાવ્યો હતો. જોકે રાજેશ આયરે એ 2005માં અપક્ષ માંથી ચૂંટણી લડી અને ભાજપ માં પ્રવેશ મેળવ્યો હતો.

2010 માં ભાજપમાંથી જ રાજેશ આયરે ચૂંટણી લડયા અને જીત્યા હતા જોકે તે બાદ ભાજપ સાથે વિવાદ થતા આર.એસ.પી પક્ષમાં જોડાયા હતા. 2019માં આર.એસ.પી પક્ષ તરફ થી વિધાનસભા ચૂંટણીમાં સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડયા હતા જોકે ભાજપના જીતેન્દ્ર સુખડીયા સામે તેમની હાર થઈ હતી.

આજે રાજેશ આયરે તેમના પત્ની પૂર્ણિમા આયરે અને હેમલતાબેન ગોર ત્રણેય કાઉન્સિલરો ભાજપમાં જોડાતા ભાજપની મજબૂતાઈ વધી ગઈ છે. જે આવનાર કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ માં ભાજપની બેઠકો વધારી શકે છે. આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સયાજીગંજની ભાજપ ઓફિસે પહોંચી રાજેશ આયરે ભાજપમાં જોડાયા હતા.