વડોદરા: ટ્રાફિકના નવા નિયમોમાં ભારે દંડની જોગવાઇનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં એક યુવાને ટ્રાફિકના નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા અનોખો આઇડિયા અપનાવ્યો છે. વડોદરા શહેરના એક ઇન્સ્યોરન્સ એજન્ટે દંડથી બચવા માટે પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક સહિતના ડોક્યુમેન્ટ લગાવી દીધા છે. એજન્ટે જણાવ્યું હતું કે, પોતાને ભુલવાની આદત હોવાથી મે હેલ્મેટ ઉપર જરૂરી દસ્તાવેજો લગાવી દીધા છે.

વડોદરા શહેરના યુવક પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વાહનના વીમાની કોપી લગાવી દીધી છે. આજે તેઓ રોડ પોતાની બુલેટ લઇને નીકળતા રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

યુવકે જણાવ્યું કે, ટ્રાફિક નિયમના કાયદાનું પાલન કરવું મારી ફરજ છે. મારી પાસે બુલેટ છે. બીજુ કે મને ભૂલવાની આદત હોવાથી હેલ્મેટ ઉપર મે ટ્રાફિક નિયમના તમામ દસ્તાવેજો લગાવી દીધા છે. ટ્રાફિક પોલીસ ઉભા રાખે ત્યારે તેઓને હેલ્મેટ બતાવી દઉં છું. અકસ્માતથી બચવા હેલ્મેટ પહેરવું જરૂરી છે. આગામી દિવસોમાં વધુ દંડ સાથેનો કાયદો અમલમાં આવી રહ્યો છે. પરંતુ જો દરેક વાહન ચાલક હેલ્મેટ પહેરે અને પોતાની પાસે તમામ દસ્તાવેજ રાખે તો દંડ ભરવાનો આવશે જ નહીં. લોકોને પણ મારી અપીલ છે કે, હેલ્મેટ પહેરો અને સાથે તમામ દસ્તાવેજ રાખો.