વડોદરા: લગ્ન પહેલાં ફ્રેન્ડશિપ રાખનાર યુવતીને સંબંધ રાખવા માટે બ્લેકમેઈલ કરતાં પૂર્વ બોયફ્રેન્ડે પરિણીતાના ફોટા વાયરલ કરી દેતાં પરિણીતાએ સાયબર સેલની મદદ લઈ યુવકને જેલમાં મોકલી આપ્યો હતો.



વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતી યુવતીને નજીકની ઓફિસમાં સેલ્સમેન તરીકે કામ કરી રહેલા પ્રકાશ મહેન્દ્રસિંહ સોલંકી સાથે ત્રણેક વર્ષ પહેલાં પરિચય થયો હતો. બંને વચ્ચે મિત્રતા થતાં યુવકે મોબાઈલ નંબર લીધો હતો અને યુવતી સાથે ફોન પર વાતચીત કરતો હતો.



થોડા સમય બાદ યુવતીએ પ્રકાશ સાથે વાત કરવાનો ઈનકાર કર્યો હતો અને તેણે લગ્ન કરી લીધા હતા. આમ છતાં પ્રકાશે તેને ફોન કરવાનું ચાલુ રાખી અઘટિત માંગણીઓ ચાલુ રાખી હતી. યુવક તેના ઘર સુધી પહોંચી જતાં આખરે પરિણીતાએ પતિની મદદ લઈ જૂલાઈ-2018માં પાણીગેટ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. આ કેસમાં યુવકે માફી માંગી લીધી હતી.



આમ છતાં યુવકે ફરીથી પરિણીતાને પજવવાનું શરૂ કર્યું હતું. આ વખતે પ્રકાશે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. તેણે યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને છતાં પરિણીતા તાબે ન થતાં આખરે ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ફોટા વાયરલ કરી દીધા હતા. યુવતીએ આ અંગે સાયબર સેલની મદદ લેતાં ઇન્ચાર્જ પીઆઇ આર એ ગોહિલે ગુનો નોંધી પ્રકાશની ધરપકડ કરી છે.