India Weather Forecast: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 11 થી 13 જાન્યુઆરીની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પ્રભાવિત થવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો છે.


Weather Forecast:કડકડતી ઠંડીના કારણે સમગ્ર ઉત્તર ભારત ધ્રૂજી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની સ્થિતિ છે. આગામી 2-3 દિવસ સુધી લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. સોમવારની રાત્રે પણ ઘણી જગ્યાએ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. અંબાલા, હિસાર, બહરાઈચ અને ગયામાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ હતી.


બીજી તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં અટલ ટનલના દક્ષિણ ભાગમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં સોમવારે સતત પાંચમા દિવસે શીતલહેર નોંધાઈ હતી અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે.


દિલ્હીમાં તુટ્યો ઠંડીનો રેકોર્ડ:


છેલ્લા એક દાયકામાં દિલ્હીમાં જાન્યુઆરીમાં આ સૌથી લાંબી કોલ્ડ વેવ છે. આ પહેલા છેલ્લી વખત જાન્યુઆરી 2013માં રાજધાનીમાં આવી ઠંડી પડી હતી. સમગ્ર દિલ્હી હાલમાં કોલ્ડવેવ અને ધુમ્મસની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 11 થી 13 જાન્યુઆરીની વચ્ચે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં પ્રભાવિત થવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે.


રાજધાનીમાં કોલ્ડ વેવ - ધુમ્મસનું એલર્ટ:


રાજધાની દિલ્હીમાં કોલ્ડવેવ માટે આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ પણ છે. પાટનગરમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. તેમજ પાલમ અને સફદરજંગમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર નોધવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ઝીરો વિઝિબિલિટીની ચેતવણી આપી છે.


ધુમ્મસને કારણે ફ્લાઈટ્સ મોડી:


ધુમ્મસના કારણે મુસાફરોની અવરજવર પર પણ અસર પડી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસ અને ઠંડીને કારણે આજે (10 જાન્યુઆરી) કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી છે. જેમાં દિલ્હી-કાઠમંડુ, દિલ્હી-જયપુર, દિલ્હી-શિમલા, દિલ્હી-દેહરાદૂન, દિલ્હી-ચંદીગઢ-કુલુ જતી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.