OPS vs NPS: જુની પેન્શન સ્કિમ વૃદ્ધાવસ્થામાં નાણાકિય સુરક્ષા આપતી હોવાથી નવી પેન્શન સ્કિમનો સતત વિરોધ થઇ રહ્યો છે. આ સ્થિતિમાં મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેટલાક કર્મચારીઓ હજું પણ જુની  પેન્શન સ્કિમનો લાભ લઇ શકે છે.


નવી અને જૂની પેન્શન યોજના વચ્ચે શું તફાવત છે?


જૂના અને નવા બંને પેન્શનના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે. જૂની પેન્શન યોજનામાં, નિવૃત્તિ સમયે, કર્મચારીના છેલ્લા પગારની અડધી રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે. જૂની સ્કીમમાં, પેન્શન કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારીના આંકડાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે.


જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારમાંથી પૈસા કાપવામાં આવતા નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીને આપવામાં આવતું પેન્શન સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે. આ સિવાય આ પેન્શન સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી મળે છે. નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પર, તેના પરિવારના સભ્યોને પેન્શન મળે છે.જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓને દર 6 મહિના પછી ડીએ આપવાની જોગવાઈ છે. આ સિવાય જ્યારે પણ સરકાર પગાર પંચની રચના કરે છે ત્યારે પેન્શનમાં પણ સુધારો થાય છે.


નવી પેન્શન યોજનામાં શું છે ખાસ


NPSમાં કર્મચારીઓના પગારમાંથી 10% કાપવામાં આવે છે, જ્યારે જૂની પેન્શન યોજનામાં પગારમાંથી કોઈ રકમ કપાત નથી. જૂની પેન્શન સ્કીમમાં GPFની સુવિધા હતી, પરંતુ નવી સ્કીમમાં આ સુવિધા નથી. જૂની પેન્શન યોજનામાં, નિવૃત્તિ સમયે, પગારનો અડધો ભાગ પેન્શન તરીકે મળતો હતો, જ્યારે નવી પેન્શન યોજનામાં, તમને કેટલું પેન્શન મળશે તેની કોઈ ખાતરી નથી.


બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે જૂની પેન્શન યોજના એક સુરક્ષિત યોજના છે, જે સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે. નવી પેન્શન સ્કીમ શેરબજાર પર આધારિત છે, જેમાં તમે NPSમાં રોકાણ કરો છો તે નાણાંનું રોકાણ શેરબજારમાં થાય છે, જ્યારે જૂની પેન્શન સ્કીમમાં આવી કોઈ જોગવાઈ નહોતી. જો બજારમાં મંદી હોય તો એનપીએસ પરનું વળતર પણ ઓછું થઈ શકે છે.


રંગોનો તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજનાને લઈને એક નવું અપડેટ જારી કર્યું છે. આ પછી હવે કેન્દ્રીય કર્મચારીઓના એક વર્ગને નવી પેન્શન યોજના (નેશનલ પેન્શન સિસ્ટમ)ની જગ્યાએ જૂની પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ મળ્યો છે.


તારીખ દ્વારા પસંદ કરવાનો વિકલ્પ


કર્મચારી મંત્રાલયે જૂની પેન્શન યોજનાને લઈને નવો આદેશ જારી કર્યો છે. તદનુસાર, હવે કેટલાક કેન્દ્રીય કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ આદેશ હેઠળ, જૂની પેન્શન યોજનાનો લાભ લેવા માટે પાત્ર એવા તમામ કેન્દ્રીય કર્મચારીઓને નવો વિકલ્પ પસંદ કરવા માટે 31 ઓગસ્ટ, 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.


સમયમર્યાદા પછી તક નહીં મળે


જો કે, જો પાત્ર કર્મચારીઓ સમયમર્યાદાની સમાપ્તિ પહેલાં જૂની પેન્શન યોજના પસંદ ન કરે, તો તેઓ આપમેળે નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આનો અર્થ એ થયો કે 31 ઓગસ્ટ, 2023 સુધી, પાત્ર કેન્દ્રીય કર્મચારી પેન્શન યોજના જે પણ વિકલ્પ પસંદ કરશે, તેને અંતિમ ગણવામાં આવશે. મંત્રાલયે આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે ડેડલાઈન એટલે કે 31 ઓગસ્ટ 2023 પછી પેન્શન સ્કીમનો વિકલ્પ બદલવાની કોઈ સુવિધા નહીં હોય.