નવી દિલ્લીઃ લોકસભાની ત્રણ અને વિધાનસભાની 29 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ માટે સારાં પરિણામ મથી આવ્યાં. આ પૈકી હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા સીટ પર ભાજપને કારમી હાર મળી છે. આ હાર માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મોંઘવારીને જવાબદાર ગણાવતાં ખળભળાટ મચ્યો છે. ઠાકુરે ભાજપની હાર માટે સીધું કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર દોષારોપણ કરીને કહ્યું કે, વધતી મોંઘવારીના કારણે પ્રદેશમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ઠાકુરના આ નિવેદનથી ભાજપમાં ખળભળાટ મચ્યો છે.
આ નિવેદન બદલ ઠાકુરની હકાલપટ્ટી થઈ શકે છે. પેટાચૂંટણીમાં ભાજપની હારની સીધી અસર મુખ્યમંત્રી જયરામ ઠાકુરના રાજકીય ભાવિ પર પડશે. મુખ્યમંત્રી ઠાકુર મંડી જિલ્લાના છે અનમે મંડી લોકસભા બેઠક પણ ભાજપ હારી ગયો છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તેમના જ નેતૃત્વમાં લડવામાં આવી રહી હતી. આ હારના કારણે માનવામાં આવી રહ્યુ છે કે સીએમની શાખની સાથે-સાથે તેમના રાજકીય ભવિષ્ય પર પણ સંકટ હોવાનું ભાજપના નેતા સ્વીકારે છે. ભાજપે તાજેતરમાં જ જે રીતે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા છે એ રીતે ઠાકુર પણ બદલાઈ શકે છે. હિમાચલની હારથી જયરામ ઠાકુરના માથે જોખમ છે.
હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠકો કોંગ્રેસે જીતી છે. આ જીત કોંગ્રેસ માટે 2022ના વિધાનસભા ચૂંટણીથી પહેલા શુભ સંકેત છે અને પાર્ટી માટે માહોલ બનાવવાનો અવસર મળ્યો છે. આ જીતના પગલે વિપક્ષ કોંગ્રેસ વિપક્ષ પણ ભાજપ સામે આક્રમક મોડમાં આવી ગયો છે.
હિમાચલના કોંગ્રેસ પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે અર્થતંત્રીની હાલત ખરાબ કરીને જનતાનાં ખિસ્સાં ખંખેરવાનું શૂ કર્યું તેના કારણે લોકોમાં આક્રોશ છે. પેટ્રોલ-ડીઝલ, રસોઈ ગેસના ભાવમાં બેફામ વધારો થઈ રહ્યો છે. તેના કારણે ભાજપ સરકાર સામે વિરોધ વધતો જઈ રહ્યો છે. તેનો પ્રભાવ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર પણ પડશે.