નવી દિલ્લી: મંત્રી સ્મૃતિ ઇરાનીએ કાશ્મીરી પંડિતોની સાથે થયેલા અત્યાચારના મુદ્દાને સદનમાં ઉઠાવ્યો હતો. તેમણે ગિરજા કુમારી ટિક્કુ અને સરલા ભટ્ટાની સાથે થયેલા અન્યાયનો  ઉલ્લેખ કર્યો હતો. જાણીએ આ 2 મહિલા કોણ હતી અને તેમની સાથે શું ઘટના બની હતી.


લોકસભામાં આજે (9 ઓગસ્ટ) સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વાત કરી હતી. રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે.


રાહુલ ગાંધીનું ભાષણ પૂરું થયા બાદ કેન્દ્રીય મંત્રી અને સાંસદ સ્મૃતિ ઈરાનીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા ઈરાનીએ ગૃહમાં કાશ્મીરી પંડિતો પર અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ  ગિરિજા કુમારી ટીકુ અને સરલા ભટ્ટ સાથે કાશ્મીરમાં થયેલા અત્યાચાર વિશે પણ સંસદમાં વાત કરી હતી તેઓ આ વાત કરતા ભાવુક થઇ ગયા હતા.


1990ના દાયકામાં લાખો કાશ્મીરી પંડિતોએ તેમના ઘર છોડીને કાશ્મીરની ઘાટીથી બહાર જવું પડ્યું હતું.  મસ્જિદોમાંથી જાહેરાત કરવામાં આવી હતી કે, કાશ્મીરી પંડિતો કાફિર છે અને તેમણે કાશ્મીર છોડવું પડશે. જો નહીં છોડવામાં આવે તો કાશ્મીરી પંડિતોએ ઈસ્લામ સ્વીકારવો પડશે નહીંતર તેમને મારી નાખવામાં આવશે.


કોણ છે ગિરજા ટિક્કુ


ગયા વર્ષે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ગિરિજા કુમારી ટીક્કુની વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બારામુલા જિલ્લાના અરીગામ ગામની રહેવાસી ગિરિજા સરકારી શાળામાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. 11 જૂન, 1990ના રોજ, ગિરિજા ટીક્કુ પોતાનો પગાર લેવા માટે શાળાએ ગઈ હતી. તે જ દિવસે તે તેની શાળાના સ્ટાફને તેના ઘરે મળવા પણ ગઈ હતી.


આતંકવાદીઓ દ્વારા નિર્દયતાથી માર્યા ગયા


ગિરિજા ટિક્કુને ખ્યાલ નહોતો કે આતંકવાદીઓ તેના પર નજર રાખી રહ્યા છે. ઘરે પરત ફરતી વખતે તે બસમાં મુસાફરી કરી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેને રોકી હતી. ગિરિજાને બસમાંથી બહાર કાઢીને આતંકવાદીઓએ તેને એક ટેક્સીમાં ફેંકી દીધી, જેમાં પાંચ માણસો સવાર હતા.


 


તે કારમાં ગિરિજા સ્કૂલનો સ્ટાફ પણ હાજર હતો. આતંકવાદીઓએ ન માત્ર ગિરિજા પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું  હતું પરંતુ કરવતથી જીવતી કાપીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. તે સમયે તેની ઉંમર 20 વર્ષની હતી.


સ્મૃતિ ઈરાનીએ ગૃહમાં પોતાના ભાષણ દરમિયાન સરલા ભટ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરલા અનંતનાગની હતી. તે નર્સ હતી. તે સૌરામાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં કામ કરતી હતી. જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આતંકવાદીઓ દ્વારા 14 એપ્રિલ 1990ના રોજ તેમની મેડિકલ સંસ્થામાંથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.


આતંકીઓએ તેના પર ઘણા દિવસો સુધી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, આ પછી, આતંકવાદીઓએ નિર્દયતાથી તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા અને 19 એપ્રિલ 1990ના રોજ મૃતદેહને શ્રીનગરના ડાઉનટાઉનમાં ફેંકી દીધો.