World Creativity And Innovation Day 2023:વિશ્વ સર્જનાત્મકતા અને સંશોધન દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ લોકોને તેમના જીવનના વિકાસના દરેક પાસામાં સર્જનાત્મકતા અને ઇન્વેશનની ભૂમિકા વિશે જણાકારી આપવાનો  છે.


યુએન દ્વારા 21 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ અનુસાર સર્જનાત્મકતાની કોઈ સાર્વત્રિક સમજ હોઈ શકે નહીં. આ ખ્યાલ આર્થિક, સામાજિક અને ટકાઉ વિકાસના સંદર્ભમાં કલાત્મક અભિવ્યક્તિથી લઈને સમસ્યા-નિવારણ સુધીની વ્યાખ્યા માટે  ખુલ્લો છે.


સંયુક્ત રાષ્ટ્ર તેના સભ્ય દેશોને આગળ આવવા અને સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગોને તેમની આર્થિક વિકાસ વ્યૂહરચનાનો ભાગ બનાવવા આગ્રહ કરે છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, નવીનતા, સર્જનાત્મકતા અને સામૂહિક સાહસિકતા આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જનને નવી ગતિ આપી શકે છે.


સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસની ઉજવણી કરવાનો ઠરાવ પસાર કર્યો. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 27 એપ્રિલ 2017 ના રોજ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને વર્ષ 2018 માં પ્રથમ વખત વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની  સ્થાપના 25 મે 2001ના રોજ કેનેડાના ટોરોન્ટોમાં કરવામાં આવી હતી.


વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસની સ્થાપના કેનેડિયન મહિલા માર્સી સેગલ દ્વારા કરવામાં આવી હતી. માર્સી સેગલ વર્ષ 1977માં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્ટડીઝ ઇન ક્રિએટીવીટીમાં સર્જનાત્મકતાનો અભ્યાસ કરી રહી હતી. પછી તેણે નેશનલ પોસ્ટ અખબારમાં એક હેડલાઈન જોઈ, જેમાં લખ્યું હતું 'કેનેડા ઈન ક્રિએટિવિટી ક્રાઈસિસ'. આ જોઈને સેગલના મનમાં વિચાર આવ્યો કે નવા વિચારો સર્જનાત્મકતામાં મદદ કરશે અને લોકોની સર્જનાત્મકતા તેમને કોઈપણ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં કે નિર્ણય લેવામાં મદદ કરશે.