Singapore Airlines: ખરાબ હવામાનને કારણે લંડનથી સિંગાપોર જતી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટમાં ટર્બુલેંસના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને 30 અન્ય ઘાયલ થયા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ, સિંગાપોર એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ SQ321 હીથ્રો એરપોર્ટથી સિંગાપોર જઇ રહી હતી ત્યારે તેને ઇન-ફ્લાઇટ ટર્બુલેંસનો  સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ફ્લાઇટનું સ્થાનિક સમય અનુસાર બપોરે 3.45 કલાકે બેંગકોકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.


દરમિયાન, એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઈંગ 777-300ER વિમાન 211 મુસાફરો અને 18 ક્રૂ સભ્યો સાથે લંડનથી સિંગાપોર જઈ રહ્યું હતું ત્યારે તેનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. એરલાઈને કહ્યું કે અમારી પ્રાથમિકતા એ છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે. સિંગાપોર એરલાઈન્સે જણાવ્યું હતું કે, અમે જરૂરી તબીબી સહાય પૂરી પાડવા માટે થાઈલેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ અને કોઈપણ સહાય પૂરી પાડવા માટે એક ટીમ બેંગકોક મોકલી રહ્યા છીએ.


એર ટર્બુલેંસ શું છે?


ઉડાન દરમિયાન એરક્રાફ્ટના હવાના દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે તેને એર ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે. જેના કારણે પ્લેનને આંચકો લાગે છે અને તે હવામાં ઉપર-નીચે ફરવા લાગે છે. એર ટર્બુલેંસમાં, પ્લેનમાં બેઠેલા મુસાફરો નાના આંચકાથી લઈને મજબૂત અને લાંબા સમય સુધીના આંચકા સુધી કંઈપણ અનુભવી શકે છે. આવા સંજોગોમાં ફ્લાઇટને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જેના કારણે પ્લેન એક્સિડન્ટ પણ થઈ શકે છે.






સિંગાપોર એરલાઇન્સમાં અત્યાર સુધીમાં 7 અકસ્માતો થયા


જો કે, આ પહેલા પણ આવી જ ઘટનાઓ બની છે, છેલ્લી સિંગાપોર એરલાઈન્સની દુર્ઘટના ઓક્ટોબર 2000માં થઈ હતી, જ્યારે તાઈવાનથી ટેકઓફ કરતી વખતે બંધ રનવે પર વિમાન ક્રેશ થયું હતું, જેમાં 83 લોકોના મોત થયા હતા. તે જ સમયે, એવિએશન સેફ્ટી નેટવર્કના રેકોર્ડ મુજબ, સિંગાપોર એરલાઇન્સમાં અત્યાર સુધીમાં 7 અકસ્માતો થયા છે.