Iran Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશમા મોત થયું હતું.  ઇબ્રાહિમ રઇસીના મોત બાદ મોહમ્મદ મોખબર ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. નોંધનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર અઝરબૈજાનથી પરત ફરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.






ઈરાનના સર્વોચ્ચ નેતા  આયાતુલ્લાહ અલી ખમેનીએ સોમવારે આ અંગેની જાહેરાત કરી હતી. રઇસી, ઈરાનના વિદેશ પ્રધાન હુસેન અમીર-અબ્દુલ્લાહયાન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર માલેક રહમતી અને પૂર્વ અઝરબૈજાનમાં ઇરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ અયાતુલ્લાહ મોહમ્મદ અલી આલે હાશેમ પણ સવાર હતા.


રઇસીના મોત બાદ શોક સંદેશમાં ખમેનીએ જાહેરાત કરી હતી કે ઉપરાષ્ટ્રપતિ વચગાળાની ફરજો સંભાળશે. ઈરાનના સર્વોચ્ચ નેતાએ પણ સંદેશમાં પાંચ દિવસના શોકની જાહેરાત કરી હતી. ખમેનીએ કહ્યું કે "બંધારણના અનુચ્છેદ 131 અનુસાર, મોખબર કાર્યકારી શાખાના નેતૃત્વનો હવાલો સંભાળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોખબરે "મહત્તમ 50 દિવસની અંદર" સાંસદો અને ન્યાયિક વડાઓ સાથે રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરવી પડશે.


ઈરાનના બંધારણ મુજબ, જો રાષ્ટ્રપતિનું મોત થાય છે તો ઈરાનના ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ લીડરની સંમતિથી સત્તા સંભાળે છે અને નવી રાષ્ટ્રપતિની ચૂંટણી 50 દિવસની અંદર કરવામાં આવશે. ઇરાનમાં 2025માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની હતી.


અહેવાલો અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી રવિવારે વહેલી સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા માટે અઝરબૈજાન ગયા હતા. બંને દેશો દ્વારા અરાસ નદી પર બાંધવામાં આવેલો આ ત્રીજો બંધ છે.


સુપ્રીમ લીડર ખમેનીના ફાઉન્ડેશન સાથે છે કનેક્શન


ઈરાનના રાષ્ટ્રપતિ રઇસી  અને ઉપરાષ્ટ્રપતિ બંને તેના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેનીના નજીકના છે. વર્ષ 2021માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈબ્રાહિમ રઇસીએ પહેલીવાર મોહમ્મદ મોખબરને દેશના ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. ઈરાનના વાઇસ પ્રેસિડેન્ટ ઘણા વર્ષો સુધી ખમેનીના ફાઉન્ડેશનને ચલાવતા હતા.


મોહમ્મદ મોખબરનો જન્મ ઈરાનના ડેઝફુલ શહેરમાં વર્ષ 1955માં થયો હતો. તેમની પાસે મેનેજમેન્ટમાં પીએચડીની ડિગ્રી છે. આ પહેલા તેઓ ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અને ઈરાનસેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ એક્સપેડિએન્સી ડિસ્ક્રિમિનેશન કાઉન્સિલના સભ્ય છે.