મોસ્કો: રશિયાના સાઈબિરિયામાં એક એમઆઈ-8 હેલિકોપ્ટર તૂટી પડતાં 21નાં મોત થયાં હતાં અને ત્રણ ગુમ થયા છે. હેલિકોપ્ટરમાં ચાલક દળના ત્રણ સભ્ય સહિત 25 લોકો સવાર હતા. તપાસ સમિતિના જણાવ્યા અનુસાર ફ્લાઈટ સેફ્ટી રેગ્યુલેશનના ઉલ્લંઘન અથવા કોઈ ટેકનિકલ ખામી કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ગાઢ ધુમ્મસના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. સત્તાવાળાઓએ આ દુર્ઘટનાની તપાસના આદેશ જારી કર્યા છે. સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરે સાઈબિરિયાના ક્રાન્સનોયાર્સ્કથી ઉડાન ભરી હતી. આ અકસ્માત નોવી ઉરેગો શહેરની બહારના વિસ્તારમાં ભારતીય સમય મુજબ રાત્રે 7.30થી 8.00 કલાક દરમિયાન થયો હતો. ઈમર્જન્સી મિનિસ્ટ્રીની પ્રાદેશિક શાખાએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર નોવી ઉરેગોથી 80 કિ.મી. દૂર તૂટી પડ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલ ત્રણને નોવી ઉરેગોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.