નવી દિલ્હીઃ તાલિબાન એક તરફ દુનિયા સામે શાંતિથી અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા અને તેનું સંચાલન કરવાનો દાવો કરી રહ્યુ છે પરંતુ બીજી તરફ સતત તાલિબાનના આતંકીઓ પંજશીર વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્વિટર પર નોર્ધર્ન એલાયન્સે દાવો કર્યો હતો કે ગઇ રાત્રે ખાવકમાં હુમલો કરવા આવેલા તાલિબાનના લગભગ 350 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે 40થી વધુને પકડી લેવામાં આવ્યા છે. એનઆરએફને આ દરમિયાન અનેક અમેરિકન વાહનો અને હથિયારો હાથ લાગ્યા છે.
આ અગાઉ જાણકારી આપવામાં આવી હતી કે મંગળવારે રાત્રે પણ તાલિબાને પંજશીપમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં તેનો સામનો નોર્ધર્ન એલાયન્સના ફાઇટર્સ સાથે થયો હતો. સ્થાનિક પત્રકાર નાતિક માલિકજાદા દ્ધારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર અફઘાનિસ્તાનના પંજશીરના પ્રવેશદ્વાર પર ગુલબહાર વિસ્તારમાં તાલિબાનના આતંકીઓ અને નોર્ધર્ન એલાયન્સ વચ્ચે અથડામણ થઇ હતી.
મંગળવારે રાતથી ફરીથી પંજશીરમાં તાલિબાન અને નોર્ધન અલાયન્સ વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબાને ગોલબહારથી પંજશીરને જોડતા પુલને ઉડાવી દીધો છે. પંજશીરને પરવાન પ્રાંતથી જોડતા માર્ગને બંધ કરી દેવાયો છે. તાલિબાને જાહેર માર્ગોને કન્ટેનરોથી બંધ કરી દીધા છે. સૂત્રોનો દાવો છે કે આ લડાઈમાં અત્યાર સુધી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત બોલાવ્યા બાદ વ્હાઈટ હાઉસમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને પાછા લાવવાનો દાવો કર્યો અને કહ્યું હતું કે હાલમાં ત્યાં લગભગ 100-200 અમેરિકી નાગરિકો ફસાયેલા છે. સૈન્ય પરત બોલાવ્યા બાદ ત્યાં ફસાયેલા અમેરિકી લોકો મુદ્દે જો બાઇડનની ટીકા થઈ રહી હતી.
બાઈડનને જ્યારે આ મુદ્દે સવાલ કરાયો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે ત્યાં જેટલા પણ અમેરિકી નાગરિકો ફસાયા છે, તેમની પાસે અફઘાનિસ્તાનની નાગરિકતા પણ છે. પહેલાં તેમણે અફઘાનિસ્તાની હોવાની વાતને ટાંકીને ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે તેઓ અહીં પરત આવવા માગે છે. અફઘાનિસ્તાનમાં જેટલા પણ અમેરિતી હતા તેના 90 ટકા લોકો પરત ફરી ચૂક્યા છે. હવે જે ત્યાં ફસાયેલા છે તેમના માટે કોઇપણ પ્રકારની ડેડલાઈન જેવું નથી, અમે તેમને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.