ન્યૂયોર્ક શહેરના મેનહટન વિસ્તારમાં સોમવારે સાંજે એક ભીષણ ગોળીબારની ઘટના બની હતી, જેમાં ન્યૂયોર્ક પોલીસ અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના 44 માળની ઓફિસ બિલ્ડિંગમાં બની હતી, જ્યાં Blackstone અને NFLનું હેડક્વાર્ટર આવેલું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 27 વર્ષીય શેન તામુરા નામનો એક વ્યક્તિ સોમવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ બિલ્ડિંગમાં ઘૂસી ગયો અને રાઇફલથી આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

NYPD કમિશનર જેસિકા ડિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુષ્ટી કરી હતી કે, "હાલમાં ઘટનાસ્થળ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને શૂટરને ઠાર મારી દેવામાં આવ્યો હતો.

સોમવારે સાંજે મેનહટનમાં એક બિલ્ડિંગમાં ગોળીબાર થયો હતો

ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટ (FDNY) એ માહિતી આપી હતી કે તેમને સોમવારે સાંજે પાર્ક એવન્યુ પર સ્થિત આ બિલ્ડિંગમાંથી ફોન આવ્યો હતો કે કોઈને ગોળી વાગી છે. જોકે, વિભાગના પ્રવક્તાએ વધુ માહિતી આપી ન હતી. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.

મેયર એડમ્સે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "ન્યૂયોર્કવાસીઓ: મિડટાઉનમાં હાલમાં એક એક્ટિવ શૂટર ઈન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. કૃપા કરીને યોગ્ય સાવચેતી રાખો અને જો તમે આ વિસ્તારમાં હોવ તો બહાર ન નીકળો." જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન શૂટરે પોતાને ગોળી મારી હતી.

ઘટનાસ્થળે FBI ટીમ હાજર

આ ઘટના પછી FBI પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. FBIના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોન્ઝિનોએ X પર માહિતી આપી હતી કે તેમની ટીમ ગુનાના સ્થળે સહાય પૂરી પાડી રહી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીનો હેતુ શું હતો અને તે એકલો હતો કે કોઈ નેટવર્ક સાથે જોડાયેલો હતો.