બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઉપનગરમાં આગ લાગવાને કારણે 52 લોકોનાં મોત થયાં છે અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ફાયર સર્વિસના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે નારાયણગંજના રુપગંજમાં શેજાન જૂસ ફેક્ટરીમાં ગુરુવારે સાંજે પાંચ વાગયે આગ લાગી હતી. લોકો પોતાનો જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યા હતા. ત્રીજા માળેથી શરૂ થયેલી આગ જોતજોતાંમાં છઠ્ઠા માળે પહોંચી ગઈ હતી.
ઢાકા ટ્રિબ્યૂનના સમાચાર અનુસાર, આ ઘટનામાં 52 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભીષણ આગથી બચવા માટે ઘણા મજૂરોએ બિલ્ડિંગ પરથી કૂદી ગયા હતા.
રૂપગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ફેક્ટરીમાં કામ કરનારા મજૂરોનાં પરિવારજનો અહીં મોટી સંખ્યામાં ભેગાં થઈ ગયાં છે.
પોલીસે જણાવ્યું હતું કે આગ ઢાકાની બહાર એક ઔદ્યોગિક શહેર રૂપગંડમાં હાશેમ ફૂડ એન્ડ બેવરેજીસ ફેક્ચરીમાં ગુરુવારે સાંજે 5 વાગે આગ લાગી હતી. શુક્રવાર સવાર સુધી આગ પર કંટ્રોલ મેળવી શકાયો નહોતો. રેસ્ક્યૂ ટીમે ઘણા લોકોને બચાવ્યા છે, પરંતુ હજી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કેટલા લોકો ફેક્ટરીમાં ફસાયેલા હતા.
છ ફ્લોરની ફેક્ટ્રીમાં ઝડપથી લાગેલી આગને કારણે ઉપરના ફ્લોરથી કૂદીને જીવ બચાવવા જતાં ઓછોમાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. હજી ડઝનો જેટલા કર્મચારીઓ ગુમ છે. ફાયરબ્રિગેડની ટીમે કહ્યું હતું કે નૂડલ્સ અને ડ્રિન્ક બનાવતી આ ફેકટરીની છત પરથી 25 લોકોને બચાવવામાં આવ્યા છે, પરંતુ મૃતક આંક વિશે હજી ચોક્કસ કઈ કહી શકાય એમ નથી.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવ્યા પછી અમે અંદર તપાસ અને રેસ્ક્યૂ અભિયાન ચલાવીશું. ત્યાર પછી જ અમે મૃતક આંક વિશે ચોક્કસ કંઈક કહી શકીશું. આગમાંથી બચનાર ફેક્ટરીના એક કર્મચારી મોહમ્મદ સૈફુલે જણાવ્યું હતું કે આગ લાગી એ સમયે અંદર ઘણા લોકો હતા. ત્રીજા ફ્લોરની બંને સીડીનો ગેટ બંધ હતો. એક અન્ય કર્મચારી કહ્યું હતું કે નીચેના ફ્લોરમાં આગ લાગવાથી અને ફેક્ટરીમાંથી કાળો ધુમાડો બહાર નીકળતાં તે અને અન્ય 13 કર્મચારી છત પર ભાગ્યા હતા. ફાયર ફાઈટરની ટીમે તેમને દોરડાની મદદથી નીચે ઉતાર્યા.