નેપાળના મહોતરી જિલ્લામાં મંગળવારે સાંજે એક મોટી ઘટના બની હતી. જિલ્લાના જલેશ્વરમાં આવેલી જેલ તોડી નાખવામાં આવી હતી અને તકનો લાભ લઈને કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન, જેલમાં હાજર કુલ 577 કેદીઓમાંથી 576 કેદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોખરા જેલમાંથી પણ 900 કેદીઓ ભાગી ગયા હતા. વિરોધીઓ જેલમાં ઘૂસ્યા બાદ પોલીસ પાછળ હટી ગઈ. તકનો લાભ લઈને બધા 900 કેદીઓ આરામથી ભાગવામાં સફળ રહ્યા હતા. કાઠમંડુની નખૂ જેલમાંથી કેદીઓ બહાર નીકળવાના પણ સમાચાર છે. વિરોધીઓએ કાઠમંડુની નખૂ જેલમાં આગ લગાવી દીધી. ભૂતપૂર્વ ગૃહમંત્રી રવિ લામિછાને આ જેલમાં બંધ હતા તેમના સમર્થકો તેમને ઘરે લઈ ગયા. આ ઘટના પછી બિહાર- ઉત્તર પ્રદેશ સરહદ એલર્ટ પર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાગતી વખતે કેદીઓ તેમના અંગત સામાન તેમજ જેલનો સામાન લઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ જેલ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને ભાગી ગયેલા કેદીઓની શોધ શરૂ કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે ભાગી ગયેલા કેદીઓને પકડવા માટે જિલ્લાની સરહદો પર નાકાબંધી કરવામાં આવી છે.
સેનાનું નિવેદન
આ દરમિયાન નેપાળ સેનાનું એક નિવેદન પણ સામે આવ્યું છે. સેનાએ પ્રદર્શનકારીઓને ચેતવણી આપી છે. નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળ સેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે. સેનાએ કહ્યું કે કેટલાક લોકો વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે અને નાગરિકો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, આગ લગાડી રહ્યા છે અને લૂંટ ચલાવી રહ્યા છે. સેનાએ જનતાને આવી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવાની અપીલ કરી છે.
સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જો આ પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો 10 સપ્ટેમ્બર, 2025ના રોજ રાત્રે 10 વાગ્યાથી, નેપાળ સેના સહિત તમામ સુરક્ષા એજન્સીઓને પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને દેશ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરવામાં આવશે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર પડ્યે વધુ માહિતી શેર કરવામાં આવશે.