Abdul El Sayed US Senator: અમેરિકાના રાજકારણમાં એક ઐતિહાસિક ઘટના બની છે. અમેરિકાની સંસદમાં પહેલી વાર કોઈ મુસ્લિમ નેતા સેનેટર તરીકે ચૂંટાઈને પ્રવેશ્યા છે. આ નેતાનું નામ અબ્દુલ અલ સૈયદ છે. ચાલો જાણીએ કોણ છે આ અબ્દુલ અલ સૈયદ અને તેમનો ભારત સાથે શું સંબંધ છે.
અમેરિકન રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ
મિશિગન રાજ્યમાંથી અબ્દુલ અલ સૈયદે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર માઈક રોજર્સને હરાવીને ભવ્ય જીત મેળવી છે. નોંધનીય છે કે માઈક રોજર્સને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સીધો ટેકો હતો. અબ્દુલની આ જીતને અમેરિકન રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. સેનેટમાં તેઓ ડેમોક્રેટિક સેનેટર ગેરી પીટર્સનું સ્થાન લેશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અબ્દુલ પર કથિત રીતે જેહાદી અને ડાબેરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ટ્રમ્પે તેમને વારંવાર 'મોહમ્મદ' કહીને સંબોધ્યા હતા. આ અંગે અબ્દુલે મક્કમતાથી જવાબ આપતા કહ્યું હતું કે, "મને કોઈ ફરક નથી પડતો કે તે મારું નામ કેવી રીતે બોલે છે, નવેમ્બર પછી તેઓ મને સેનેટર કહેશે." આ બેઠક પર આખા અમેરિકાની નજર મંડાયેલી હતી.
મેડિકલથી લઈને રાજકારણ સુધીની સફર
અબ્દુલ રહેમાન મોહમ્મદ અલ સૈયદનો જન્મ અને ઉછેર મિશિગનના મેટ્રો ડેટ્રોઇટમાં જ થયો છે. તેમના પિતા ઇજિપ્તથી અમેરિકા સ્થળાંતરિત થયા હતા.
અબ્દુલે મિશિગન યુનિવર્સિટીમાંથી બાયોલોજી અને પોલિટિકલ સાયન્સમાં સ્નાતક કર્યું. ત્યારબાદ રોડ્સ સ્કોલર તરીકે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી પબ્લિક હેલ્થમાં ડોક્ટરેટની પદવી મેળવી. 2014માં તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી મેડિકલ ડિગ્રી પૂરી કરી. જોકે તેઓ પ્રેક્ટિસ કરતા ડૉક્ટર નથી.
રાજકારણમાં આવતા પહેલા તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી. 2015માં તેઓ આરોગ્ય વિભાગના કાર્યકારી નિયામક બન્યા હતા અને 2022થી 2025 સુધી વેન કાઉન્ટી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થમાં ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેમના પ્રગતિશીલ વિચારોને બરાક ઓબામા અને કમલા હેરિસનું સમર્થન મળેલું છે.
શું છે અબ્દુલનો ભારત સાથે સંબંધ?
અબ્દુલ સૈયદનો ભારત સાથે સીધો કોઈ સંબંધ નથી, પરંતુ તેમનાં પત્ની સારા ઝુક્કાકુ મૂળ ભારતના છે. સારા કર્ણાટકના મેંગલુરુ પાસેના એક ગામના વતની છે.
સારાના દાદા શમસુદ્દીને તત્કાલીન મુખ્યમંત્રી વી.ડી. જટ્ટીના કાર્યાલયમાં મૈસુર રાજ્યના નાયબ નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી. અબ્દુલ અને સારા બંને મિશિગનમાં અભ્યાસ કરતા હતા ત્યારે મળ્યા હતા અને બાદમાં લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રીઓ છે.
