મુંબઈઃ પડદા પર હીરો બનતા અભિનેતા વાસ્તવિક જીવનમાં સાવ અલગ હોય છે. આ હકીકતને સાચી સાબિત કરતી એક ઘટનામાં પાકિસ્તાનના અભિનેતા, ગાયક અને મોડેલ મોહસિન અબ્બાસ હૈદર સામે તેની પત્નીએ ગંભીર આક્ષેપ કર્યા છે. મોહસિનની પત્ની ફાતિમા સોહેલે કહ્યું કે, તે ઘરેલુ હિંસાનો શિકાર થઇ છે.

સોશિયલ મીડિયા પર ફાતિમાએ લખ્યું કે, 26 નવેમ્બર 2018ના રોજ મેં મારા પતિને તેની પ્રેમિકા અને એક્ટ્રેસ નજીશ જહાંગીર સાથે સેક્સ માણતાં રંગેહાથ ઝડપી લીધો હતો. એ વખતે હૈદરે માફી માંગવાના બદલે મને મારવાની શરૂઆત કરી અને ઢોરમાર માર્યો હતો. એ વખતે હું ગર્ભવતી હતી છતાં તેને દયા નહોતી આવી.



ફાતિમાએ કહ્યું કે, હૈદરે મારા વાળ ખેંચી મને જમીન પર ઘસડી અને લાત મારી. તેણે મારા મોંઢા પર પણ મુક્કા માર્યા અને છેવટે દિવાલ પર પછાડીને હતી. મેં ત્યારે એટલા માટે પોલીસ ફરિયાદ ના કરી કેમ કે મને લાગ્યું કે આ સમય યોગ્ય નથી. ફરિયાદ કરવાથી મારા આવનારા સંતાનનાં ભવિષ્ય પર ખતરો આવે એટલે હું ચૂપ રહી.



ફાતિમાએ કહ્યું કે, 19 મેના રોજ મને પુત્ર થયો ત્યારે હૈદર પોતાની ગર્લફ્રેન્ડ નજીશ જહાંગીર સાથે હતો. એ વખતે ફોટો ખેંચાવવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે તે મારી પાસે થોડીવાર માટે આવ્યો હતો. ફાતિમાએ કહ્યું કે, 17 જુલાઇના રોજ જ્યારે તે પતિના ઘરે બાળકને લઇને ગઇ તો તેના પતિએ તેને મારી હતી.