કહેવામાં આવી રહ્યું છે કે ઇરાનના સૈન્યએ માછલી પકડતી પોતાના દેશની એક નૌકા સાથે બ્રિટિશ ટેન્કર કથિત રીતે ટકરાયા બાદ તેને પોતાના નિયંત્રણમાં લીધી હતી. હોર્મૂઝ જલડમરૂમધ્યની આ ઘટના પર બ્રિટન સહિત અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટિશ વિદેશ મંત્રી જેરેમી હંટે તેને અસ્વીકાર્ય ગણાવતા કહ્યું કે, આ એવી ઘટનાઓને લઇને ખૂબ ચિંતિત છે. હંટે એક બેઠક કરીને એ વાતની સમીક્ષા કરી હતી કે હાલની સ્થિતિ શું છે તથા બંન્ને જહાજોને મુક્ત કરવા માટે શું કરવામાં આવી શકે છે. ટેન્કરનું નામ સ્ટેના ઇમ્પરો છે.
ક્રૂ સભ્યોમાં ભારતીય , રશિયા સહિત અનેક દેશોના નાગરિક સામેલ છે. જહાજના માલિક અને શિપિંગ કંપની સ્ટેના બલ્કે એક નિવેદનમાં કહ્યું કે, ટેન્કરના હોર્મૂઝ જલડમરૂમધ્યને પાર કરવા દરમિયાન જ્યારે જહાજ ઇન્ટરનેશનલ જળ ક્ષેત્રમાં હતુ ત્યારે એક અજાણી નાની હોડી અને એક હેલિકોપ્ટર દ્ધારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઇરાની સૈન્યએ પોતાની વેબસાઇટ પર જાહેર એક નિવેદનમાં કહ્યું કે, જહાજે ઇન્ટરનેશનલ સમૂદ્રી કાયદાનું પાલન ન કરવાના કારણે જપ્ત કરવામાં આવ્યું છે. તેને એક અજાણ્યા ઇરાની પોર્ટ પર લઇ જવામાં આવી રહ્યું છે.