Travel Advisory for Indian Nationals: બેરૂતમાં ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકોને લેબનોન છોડવા કહ્યું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈઝરાયલે હિઝબુલ્લાહ આતંકવાદીને મારવા માટે બેરુતમાં એક સ્થળને નિશાન બનાવ્યું છે. બેરૂતમાં ભારતીય દૂતાવાસે 'X' પર લખ્યું છે કે તાજેતરની ઘટનાઓ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને,ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી લેબનોનની મુસાફરી ન કરે. તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સલાહ આપવામાં આવે છે. જેઓ કોઈપણ કારણોસર અહીં રોકાયા છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેઓ પોતાની અવરજવર મર્યાદિત કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે.






ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને લેબનોન ન જવાની સલાહ આપી છે. તેણે તેના નાગરિકોને લેબનોન છોડવા પણ કહ્યું છે. ઑસ્ટ્રેલિયાએ તેના નાગરિકોને લેબનોનની મુસાફરી ન કરવાની અને શક્ય તેટલી વહેલી તકે નીકળી જવાની સલાહ આપી છે.


આ દેશોએ એડવાઈઝરી જાહેર કરી છે


એડવાઈઝરી જાહેર કરનારા દેશોમાં બ્રિટન અને અમેરિકા પણ સામેલ છે. ઑસ્ટ્રેલિયા દ્વારા 31 જુલાઈના રોજ જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે સતત સલાહ આપીએ છીએ કે અસ્થિર સુરક્ષા પરિસ્થિતિના કારણે ઑસ્ટ્રેલિયનો લેબનોન પ્રવાસ ન કરે. ઓસ્ટ્રેલિયનોએ તરત જ લેબનોન છોડવું જોઈએ, કોમર્શિયલ ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે.


ઘણા દેશોએ બુધવારે જ એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'કેટલીક એરલાઇન્સે કેટલીક ફ્લાઈટ્સ સ્થગિત અથવા રદ કરી છે. બેરૂત એરપોર્ટ બંધ થઈ શકે છે અને તમે લાંબા સમય સુધી અટવાઈ શકો છો. એરલાઇન્સ વધુ ફ્લાઇટ્સ રદ કરી શકે છે અથવા ભાડું વધારી શકે છે. ઓસ્ટ્રેલિયન સરકાર આવા સંજોગોમાં તમને બહાર કાઢવામાં મદદ કરી શકશે નહીં. બ્રિટને તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.


નોંધનીય છે કે ઇઝરાયલે મંગળવારે દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફૌદ શુકુરને નિશાન બનાવ્યો હતો. બાદમાં ઈઝરાયલે પુષ્ટી કરી હતી કે તેણે શુકુરને મારી નાખ્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે તેના કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાં સપ્તાહના અંતે થયેલા રોકેટ હુમલા પાછળ શુકુરનો હાથ હતો જેમાં 12 યુવાનો માર્યા ગયા હતા.