Afghanistan Bomb Blast: અફઘાનિસ્તાનના કુંદુજમાં એક શિયા મસ્જિદમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. કુંદુજની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે. એએફપી ન્યૂઝ એજન્સીએ હોસ્પિટલના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કાબુલમાં મસ્જિદના દરવાજા પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ અફઘાન નાગરિકો માર્યા ગયા હતા.
સ્થાનિક સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે 300 થી વધુ લોકો નમાઝ માટે એકઠા થયા હતા. તુલુ ન્યુઝ કે મુજબ નજરે જોનારાઓનું કહેવું છે કે આ બ્લાસ્ટમાં 100 થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેન્ટ્રલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે અત્યાર સુધીમાં અમને હોસ્પિટલમાં 35 મૃતદેહ મળ્યા છે અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવ્યા છે.
આ પહેલાં પણ 3 ઓક્ટોબરના રોજ કાબુલમાં એક મસ્જિદની બહાર ઘાતક વિસ્ફોટ થયો હતો, જેમાં 5 સામાન્ય નાગરિકોના મોત થયા હતા. તાલિબાનના અધિકારીએ જણાવ્યું કે આ લોકો સંગઠન પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદની માતાના મોત બાદ શોક વ્યક્ત કરવા માટે મસ્જિદમાં એકઠા થયા હતા.
તાલિબાનની સરકાર બન્યા બાદ અફઘાનિસ્તાનમાં આ પહેલો મોટો હુમલો છે. કુંદુજમાં સંસ્કૃતિ અને સુચનાના નિર્દેશક મતિઉલ્લાહ રોહાનીએ જણાવ્યું કે આ આત્મઘાતી હુમલો હતો. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે થોડાં સમય પહેલાં કહ્યું હતું કે કુંદુજમાં મસ્જિદમાં થયેલા વિસ્ફોટ થવાથી અનેક લોકો માર્યા ગયા છે. જો કે મૃત્યુઆંક કેટલો થયો તેની કોઈ પુષ્ટિ થઈ નથી.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે હુમલા સમયે મસ્જિદમાં લગભગ 300 લોકો હાજર હતા. આ લોકો જુમ્માની નમાઝમાં સામેલ થવા આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે નમાઝ અદા કરતા હતા તે સમયે તેઓને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.