Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે. દેશમાં અફઘાન નાગરિકો તાલિબાન સામે હાથમાં ધ્વજ લઈને વિરોધ કરી રહ્યા છે. તાલિબાન લડવૈયાઓએ ગઈકાલે સ્વતંત્રતા દિવસની રેલીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ભીડ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. એક દિવસ પહેલા તાલિબાન દ્વારા આવા એક વિરોધ સામે ફાયરિંગમાં ત્રણ નાગરિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન 19 ઓગસ્ટના રોજ બ્રિટિશ નિયંત્રણમાંથી તેની સ્વતંત્રતાની ઉજવણી કરે છે. જાણો અફઘાનિસ્તાનમાં ક્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.


અસાદાબાદ શહેરમાં મોટો વિરોધ


તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબ્જો કર્યા પછી અસાદાબાદ શહેરમાં મોટો વિરોધ થયો. જેમાં સફેદ તાલિબાનના ઝંડાઓ તોડી નાખવામાં આવ્યા. આ પ્રદર્શનને તાલિબાન સામે ઉઠેલા પ્રથમ અવાજ તરીકે પણ જોઇ શકાય છે, જેમણે ફરી એક વખત દેશની સત્તા સંભાળી હતી.


કાબુલમાં વિરોધીઓએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો


તે જ સમયે મહિલાઓ સહિત સેંકડો વિરોધીઓ કાબુલમાં ભેગા થયા હતા અને  રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને 'અમારો ધ્વજ, અમારી ઓળખ'ના નારા લગાવ્યા હતા. ટોળાને વિખેરવાના પ્રયાસમાં તાલિબાનના લડવૈયાઓએ કેટલાક પ્રદર્શનકારીઓને ઘેરી લીધા હતા અને તેઓએ બૂમ પાડી હતી અને હવામાં ફાયરિંગ કર્યું હતું.


અબ્દુલ હક સ્ક્વેર પર એક પ્રદર્શનકારી સફેદ તાલિબાન ધ્વજને નીચે ખેંચવા માટે એક થાંભલા પર ચડ્યો અને તેણે કાળા, લાલ અને લીલા રંગનો રાષ્ટ્રધ્વજ પર ફરકાવ્યો.


જલાલાબાદમાં ત્રણ લોકોના મોત 


જલાલાબાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતા પ્રદર્શનકારીઓ પર તાલિબાન લડવૈયાઓએ ગોળીબાર કરતા ત્રણ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ, જેઓ તેમના નેતૃત્વમાં તાલિબાન સામે રેલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વિરોધ પ્રદર્શન માટે સમર્થન વ્યક્ત કર્યું છે.


કાબુલની શેરીઓમાંથી ગુમ થયેલી મહિલાઓ


અફઘાનિસ્તાનની રાજધાનીમાં તાલિબાન દ્વારા ઝડપી અને અણધાર્યા હુમલા બાદ ચાર દિવસ સુધી કોઈ મહિલાઓ જોવા મળી ન હતી. કાબુલના પતન બાદ અનેક પ્રોફેશનલ મહિલાઓની સાથે પોતાની રેસ્ટોરન્ટ બંધ કરી દીધી. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી તમામ શૈક્ષણિક કેન્દ્રો, શાળાઓ, યુનિવર્સિટીઓ, સરકારી ઇમારતો અને ખાનગી કચેરીઓ પણ બંધ છે.