Hurricane IAN: અમેરિકાના ફ્લોરિડામાં હરિકેન IAN ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અહીં 250 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.  જેના કારણે સમગ્ર ફ્લોરિડામાં તબાહી મચી ગઇ છે.  યુએસ નેશનલ હરિકેન સેન્ટરે એલર્ટ જાહેર કર્યું છે. ફ્લોરિડાના કેટલાક વિસ્તારોને પણ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. હજારો લોકોને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન આ સમગ્ર બાબત પર નજર રાખી રહ્યા છે.






ઈયાન વાવાઝોડાએ ફ્લોરિડામાં તબાહી મચાવી છે. ક્યાંક થાંભલા ઉખડી ગયા તો ક્યાંક બોટ પાણીથી ફેંકાઇને રસ્તા પર આવી ગઇ છે. જેથી દરેક જગ્યાએ કાટમાળ દેખાઈ રહ્યો છે. ફ્લોરિડામાં ચારેબાજુ તબાહીનું દ્રશ્ય છે. FEMA એટલે કે ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી લોકોની મદદ કરી રહી છે.


તોફાનથી મકાનોના છાપરા ઉડી ગયા છે તો ક્યાંક દીવાલો ધરાશાયી થઈ ગઇ છે. તોફાનના કારણે વૃક્ષો પણ ઉખડી ગયા હતા. વીજ થાંભલાઓ પડી ગયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. 25 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામા આવ્યા છે.


તોફાન ઇયાન ગ્રેડ 3 માંથી ગ્રેડ 4 માં પરિવર્તિત થયું


અમેરિકાના ફ્લોરિડાના પશ્ચિમ કિનારે પહોંચેલા વાવાઝોડા IANએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તે ગ્રેડ 3 થી ગ્રેડ 4 વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. સમાચાર એજન્સી પીટીઆઈ તરફથી આ જાણકારી મળી છે. વાસ્તવમાં તોફાને ક્યુબામાં પણ ભારે તબાહી મચાવી હતી. કેરેબિયન સમુદ્રમાંથી ઉદ્ભવતા, ઇયાન 27 સપ્ટેમ્બરના રોજ ક્યુબાના પશ્ચિમ કિનારે ટકરાયુ હતું. હવે તે અમેરિકાના ફ્લોરિડામાં પહોંચી ગયું છે. આ પહેલા ક્યુબામાં તોફાન દરમિયાન 205 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. અહીં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર દેશમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં લગભગ એક કરોડ લોકોનું જીવન પ્રભાવિત થયું છે.