Blast in Afghanistan: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે સવારે ભયાનક વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ કાબુલની એક શૈક્ષણિક સંસ્થામાં થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નહોતી.
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝાદરાને જણાવ્યું હતું કે એક સંસ્થાની અંદર વિસ્ફોટ થયો હતો. સુરક્ષા અધિકારીઓ તપાસ માટે વિસ્તારમાં પહોંચી ગયા છે.
કાબુલમાં ફરીથી બ્લાસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાનના એક અધિકારીએ પુષ્ટી કરી હતી કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે સવારે વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, વિસ્ફોટ દશતી બરચી વિસ્તારમાં એક શિક્ષણ કેન્દ્રની અંદર થયો હતો. તાલિબાન વતી ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે જણાવ્યું હતું કે વિસ્ફોટ વહેલી સવારે થયો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં 19 લોકોના મોત થયા છે.
હુમલાની જવાબદારી કોણે લીધી?
કાબુલમાં શિક્ષણ સંસ્થાની અંદર થયેલા વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. એક વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી આ પ્રકારની હિંસાની ઘણી ઘટનાઓ બની છે. ઇસ્લામિક સ્ટેટ જૂથને તાલિબાનનો મોટો પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. ભૂતકાળમાં મસ્જિદો અને ખાસ કરીને અફઘાનિસ્તાનના શિયા સમુદાયના સભ્યોને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા છે.
23 સપ્ટેમ્બરે મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો
આ મહિને પણ 23 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ કાબુલમાં એક મસ્જિદ પાસે થયો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ પહેલા સપ્ટેમ્બરમાં હેરાત શહેરની નજીક એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.