ન્યૂયોર્ક: અમેરિકામાં કોરોનાની રસીનો બૂસ્ટર આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે અમેરિકામાં કોરોનાનું વધારે જોખમ ધરાવતા દર્દીઓને રસીનો ત્રીજો ડોઝ પણ આપવામાં આવશે. મોર્ડના અને ફાઈઝર રસીનો ત્રીજો ડોઝ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવ્યો છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તેમને વધારે જોખમ ધરાવતા દર્દીઓના જૂથમાં રાખવામાં આવ્યા છે જેઓ પહેલાથી જ ગંભીર રોગોથી પીડિત છે અને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. મતલબ કે જે દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય અથવા કેન્સર જેવા રોગોથી પીડિત હોય તેમને રસીનો ત્રીજો ડોઝ મળશે.
એફડીએ કમિશનર જેનેટ વુડકોકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દેશમાં કોવિડ રોગચાળાની વધુ એક લહેર આવી છે. તેનાથી લોકોને ખાસ કરીને ગંભીર રોગનું જોખમ છે. નબળી રોગપ્રતિકાર ક્ષમતા ધરાવતા લોકો માટે બૂસ્ટર ડોઝ છે. જેમને પહેલાથી જ રસી આપવામાં આવી છે તેઓ હાલમાં સુરક્ષિત છે અને તેમને વધારાના ડોઝની જરૂરત નથી.
અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત ડો. ફૌચીએ હાલમાં જ કહ્યું હતું કે, વધારાના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ ટૂંકમાં કરવામાં આવશે. એક વધુ બૂસ્ટર ડોઝને ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મંજૂર કરવામાં આવશે. ફૌચીએ કહ્યું હતું કે, "એવો સમય પણ આવશે જ્યારે આપણને વધારાના ડોઝની જરૂર પડશે કારણ કે કોઈ પણ રસી કાયમી રક્ષણ પૂરું પાડતી નથી, તેમાં પણ હાલની રસીથી જ નહીં જ મળે. "
ભારતમાં કોરોના વાયરસ
ભારતમાં કોરોના કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. પરંતુ કોરોના હજુ ગયો નથી. હજુ પણ દેશમાં દરરોજ 40 હજાર કોરોના કેસ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 40,120 નવા કોરોના કેસ આવ્યા છે અને 585 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક દિવસ પહેલા 41,195 કેસ નોંધાયા હતા. તે જ સમયે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 42,295 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે ગઈકાલે 2760 એક્ટિવ કેસ ઓછા થયા હતા.
કોરોના વાયરસના કુલ કેસ
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 21 લાખ 17 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 30 હજાર 254 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 13 લાખ 2 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા હવે ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 85 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.