America On Iran Israel War: ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યાના એક દિવસ પછી, રવિવારે સીએનએનના સ્ટેટ ઓફ ધ યુનિયન ન્યૂઝ પ્રોગ્રામમાં, યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ કોઓર્ડિનેટર જોન કિર્બીએ અમેરિકાના સ્ટેન્ડને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બિડેને ઘણી વખત કહ્યું છે કે, અમે ક્ષેત્રમાં યુદ્ધ નથી ઈચ્છતા. અમે ઈરાન સાથે યુદ્ધમાં ફસાઈ જવા માંગતા નથી.


વ્હાઈટ હાઉસના અધિકારીઓને ટાંકીને અમેરિકન મીડિયાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેને શનિવારે રાત્રે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ફોન પર કહ્યું કે અમેરિકા ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલની કોઈ પણ જવાબી કાર્યવાહીમાં ભાગ લેશે નહીં કે સમર્થન કરશે નહીં. બે અઠવાડિયા પહેલા સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર થયેલા હુમલાના જવાબમાં ઈરાને શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર એક સાથે ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો હતો.


G7 નેતાઓએ મધ્ય પૂર્વમાં વધતા તણાવને રોકવા વિનંતી કરી


યુરોપિયન યુનિયન (EU) અને ગ્રૂપ ઓફ સેવન (G7) ના નેતાઓએ ઇરાન દ્વારા ઇઝરાયેલ પરના જવાબી હુમલાઓને પગલે મધ્ય પૂર્વની સ્થિતિને વધુ તંગ બનતી અટકાવવા હાકલ કરી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલે રવિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "આ પ્રદેશમાં તણાવ વધતો અટકાવવા માટે બધું જ કરવું જોઈએ. રક્તપાત ટાળવો જોઈએ. અમે અમારા ભાગીદારો સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ."


યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "તમામ પક્ષોએ પ્રદેશમાં વધતા તણાવને ટાળવું જોઈએ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે કામ કરવું જોઈએ."


વિદેશી બાબતો અને સુરક્ષા નીતિ માટે EU ઉચ્ચ પ્રતિનિધિ જોસેપ બોરેલે તમામ પક્ષોને સોશિયલ મીડિયા પર સંયમ રાખવા વિનંતી કરી. બોરેલે કહ્યું કે તેમણે આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા માટે 16 એપ્રિલે EU વિદેશ બાબતોના મંત્રીઓની અસાધારણ બેઠક બોલાવી છે.


ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, રવિવારે એક બેઠકમાં G7 નેતાઓએ તમામ પક્ષોને તણાવ ઓછો કરવા અને સંયમ રાખવાનું આહ્વાન કર્યું હતું.


G7 નેતાઓએ પણ હમાસને ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા અને ગાઝા સંઘર્ષનો અંત લાવવા હાકલ કરી હતી. ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહિયાને રવિવારે કહ્યું કે ઈરાન હવે ઈઝરાયેલ સામે બદલો લેવાની સૈન્ય કાર્યવાહી કરશે નહીં.