American Air Force: ચીન પોતાની સૈન્ય શક્તિને ઝડપથી વધારી રહ્યું છે, અમેરિકન એજન્સીઓ આ અંગે વિવિધ પ્રકારના આંકડા રજૂ કરતી રહે છે, પરંતુ હાલમાં જ બહાર પડેલા 'ગ્લૉબલ ફાયર પાવર' રિપોર્ટ અનુસાર હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે કોઈ સરખામણી નથી. અમેરિકા પાસે ચીન કરતા ઘણા વધારે ફાઈટર પ્લેન અને હેલિકૉપ્ટર છે. જો હાલના સમયમાં ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય છે તો અમેરિકા ફાઈટર પ્લેન વડે ચીનના આકાશને ભરી દઇ શકે છે.


ગ્લૉબલ ફાયર પાવર ઈન્ડેક્સે વર્ષ 2024 માટે વિશ્વની સૈન્ય શક્તિના આંકડા રજૂ કર્યા છે. ગ્લૉબલ ઈન્ડેક્સે પોતાના રિપોર્ટમાં ચીન અને અમેરિકાની સરખામણી કરી છે. આ રિપોર્ટમાં મુખ્યત્વે આઠ પાસાઓ પર તપાસ કરવામાં આવી છે. આમાં માનવશક્તિ, હવાઈ હુમલાનો સામનો કરવાની ક્ષમતા, જમીન શક્તિ, નૌકા શક્તિ, ચોખ્ખા સંસાધનો, નાણાકીય સ્થિતિ, લૉજિસ્ટિક્સ અને ભૂગોળનો સમાવેશ થાય છે. તેમાંથી ચાર મામલામાં ચીન આગળ છે અને અમેરિકા ચાર મામલામાં આગળ છે.


એરક્રાફ્ટના મામલામાં અમેરિકા-ચીનની કોઇ તુલના નહીં..... 
જો હવાઈ ક્ષમતાની વાત કરીએ તો અમેરિકા આ ​​મામલે ચીન કરતા ઘણું આગળ છે. આખી દુનિયામાં એરક્રાફ્ટના મામલે અમેરિકા પ્રથમ સ્થાને છે જ્યારે ચીન ત્રીજા સ્થાને છે. અમેરિકા પાસે કુલ એરક્રાફ્ટની સંખ્યા 13209 છે જ્યારે ચીન પાસે માત્ર 3304 એરક્રાફ્ટ છે. ફાઈટર એરક્રાફ્ટની વાત કરીએ તો અમેરિકા પાસે 1854 છે જ્યારે ચીન પાસે 1207 ફાઈટર એરક્રાફ્ટ છે. એટેક એરક્રાફ્ટની વાત કરીએ તો અમેરિકા પાસે 896 છે જ્યારે ચીન પાસે 371 છે.


અમેરિકાની પાસે એર ટ્રાન્સપોર્ટની બેસ્ટ સુવિધા 
અમેરિકા પાસે યુદ્ધ સામગ્રીના પરિવહન માટે મોટી સંખ્યામાં ભારે જહાજો પણ છે. અમેરિકા પાસે 957 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે જ્યારે ચીન પાસે માત્ર 289 એરક્રાફ્ટ છે. ટ્રેનિંગ એરક્રાફ્ટની સંખ્યાના મામલે પણ અમેરિકા આગળ છે, અમેરિકા પાસે કુલ 2648 ટ્રેનર્સ એરક્રાફ્ટ છે, જ્યારે ચીન પાસે માત્ર 402 એરક્રાફ્ટ છે. અમેરિકા પાસે એટેક હેલિકોપ્ટરની સંખ્યા 1000 છે, જ્યારે ચીન પાસે 281 એટેક હેલિકોપ્ટર છે. સામાન્ય હેલિકોપ્ટરની વાત કરીએ તો અમેરિકા પાસે 5737 હેલિકોપ્ટર છે જ્યારે ચીન પાસે માત્ર 913 હેલિકોપ્ટર છે. આ સિવાય મોટાભાગના અમેરિકન વિમાનોએ યુદ્ધ દરમિયાન પોતાનું કૌશલ્ય બતાવ્યું છે, જ્યારે ચીનના વિમાનો આ મામલે હજુ પણ પાછળ છે.