પાકિસ્તાનમાં ભારતના દુશ્મનો એટલે કે ખતરનાક આતંકવાદીઓની હત્યાઓ સતત થઈ રહી છે. ગુરુવારે, 25 એપ્રિલના રોજ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-ઈસ્લામના નેતા હાજી અકબર આફ્રિદીની ખૈબર જિલ્લાના બારા વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે.
લશ્કર-એ-ઈસ્લામ તેની આતંકવાદી પ્રવૃત્તિઓ અને ઉગ્રવાદી વિચારધારા માટે કુખ્યાત છે. આ સંગઠન વિવિધ સમુદાયોને ધમકાવે છે. ભૂતકાળમાં આ આતંકી સંગઠને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા હતા અને તેમને કાશ્મીર છોડી દેવાની અથવા ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. અકબરના 2014થી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધો હતા.
3 વર્ષમાં પાકિસ્તાનમાં ભારતના 21 દુશ્મનો માર્યા ગયા
આ પ્રથમવાર નથી જ્યારે કોઈ અજાણ્યા હુમલાખોરે કોઈ આતંકવાદીને ઠાર કર્યો હોય. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતના "વોન્ટેડ લિસ્ટ"માં સામેલ 20થી વધુ આતંકવાદીઓ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT), હિઝબુલ મુજાહિદ્દીન (HuM), જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા. આતંકવાદીઓની સતત હત્યા બાદ પાકિસ્તાનમાં રહેતા તમામ મોટા આતંકવાદીઓમાં ડર ફેલાયો છે અથવા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ભારતીય ગુપ્તચર એજન્સીઓ પર આરોપો
તાજેતરમાં બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાનમાં લગભગ 20 હત્યાઓ UAEથી સંચાલિત ભારતીય ગુપ્તચર એજન્સીઓના સ્લીપર સેલ દ્વારા કરવામાં આવી હતી. આ પછી પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપીને આ હત્યાઓ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.