Ukraine-Russia War:રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં 12,000 રશિયન સૈનિકોને માર્યા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ દાવો કર્યો છે. યુક્રેનનો દાવો છે કે તેણે અત્યાર સુધી યુદ્ધમાં 49 રશિયન એરક્રાફ્ટ, 81 હેલિકોપ્ટર, 317 ટેન્ક અને 1070 અલગ-અલગ પ્રકારના હથિયારોને નષ્ટ કર્યા છે.
રશિયાએ કહ્યું કે કિવ સાથે વાતચીત આગળ વધી રહી છે
આ પહેલા બુધવારે રશિયાએ કહ્યું હતું કે યુક્રેન સાથેના યુદ્ધના ઉકેલ માટે કિવ સાથે વાતચીત આગળ વધી રહી છે. રશિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોસ્કોના સૈનિકો યુક્રેનની સરકારને તોડવા માટે કામ કરી રહ્યા નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન કીવ સાથે ત્રણ રાઉન્ડની વાટાઘાટોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કેટલીક પ્રગતિ થઇ છે. યુક્રેન અને રશિયાના અધિકારીઓએ બેલારુસ-પોલેન્ડ બોર્ડર પર લડાઈ ખતમ કરવા માટે વાતચીત માટે બેઠક યોજી હતી.
ઝખારોવાએ જણાવ્યું હતું કે મંત્રણાનો બીજો રાઉન્ડ નાગરિકોને બહાર કાઢવા માટે માનવતાવાદી કોરિડોર પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મોસ્કો યુક્રેન પર કબજો કરવાનો કે તેની સરકારને ઉથલાવી દેવાનો ઇરાદો ધરાવતું નથી.
ઝેલેન્સ્કીએ બ્રિટિશ સંસદને સંબોધિત કર્યું
અગાઉ મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વીડિયો લિંક દ્વારા 'હાઉસ ઓફ કોમન્સ'માં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. તેમણે યુકેના ધારાસભ્યોને રશિયાને "આતંકવાદી રાજ્ય" જાહેર કરવા વિનંતી કરી હતી. સાથે મોસ્કો પર કડક પ્રતિબંધો લગાવવાની વાત કરી હતી.