Arshad Nadeem Meeting With Terrorist Leaders: ઓલિમ્પિક 2024માં પાકિસ્તાન માટે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમ ચર્ચામાં આવ્યો છે. ગોલ્ડ મેડલ વિજેતા અરશદ નદીમ આતંકવાદી સંગઠનના નેતાઓ સાથે મુલાકાત જોવા મળ્યો હતો. પેરિસમાં ગોલ્ડ જીત્યા બાદ અરશદની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. ભારતમાં પણ ઓલિમ્પિક રેકોર્ડ બનાવવા અને ગોલ્ડ મેડલ જીતવા બદલ અરશદના વખાણ થયા હતા, પરંતુ હવે નદીમ આતંકવાદી સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરીને ચર્ચામાં આવી ગયો છે.






સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં અરશદ નદીમ અમેરિકા દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ વ્યક્તિ સાથે વાત કરતો જોવા મળ્યો હતો.


ન્યૂઝ 18માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, વીડિયોમાં અરશદ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે તે મોહમ્મદ હારિસ ડાર છે. ભારતીય સુરક્ષા ગ્રીડના સૂત્રોના જણાવ્યા અનુસાર, હારિસ ડાર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબાના રાજકીય મોરચા મિલ્લી મુસ્લિમ લીગ (MML)ના સંયુક્ત સચિવ છે.






સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે અરશદની આતંકી સંગઠનના નેતાઓ સાથે મુલાકાત પેરિસ ઓલિમ્પિકમાંથી ગોલ્ડ મેડલ જીત્યા બાદ પરત ફર્યા બાદ થઈ હતી. જો કે, બેઠક ક્યારે થઇ તેની તારીખ અને સમય હજુ જાહેર કરવામાં આવ્યો નથી. મિલ્લી મુસ્લિમ લીગ હાફિઝ સઈઝ દ્વારા રચાયેલ સંગઠન છે. હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે, જેમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા.


2018માં યુએસ ટ્રેઝરી વિભાગે ખાસ કરીને 7 વૈશ્વિક આતંકવાદીઓને નિયુક્ત કર્યા હતા. આ યાદીમાં MML પ્રમુખ સૈફુલ્લાહ ખાલિદ, મુઝમ્મિલ ઈકબાલ સાશિમી, હારિસ ડાર, તાબિશ કયૂમ, ફૈયાઝ અહમદ, ફૈઝલ નદીમ અને મોહમ્મદ અહસાનનો સમાવેશ થાય છે. તેઓ લશ્કર-એ-તૌયબા તરફથી કામ કરે તેવી શંકા છે. MML 2017માં હાફિઝ સઇદ દ્વારા બનાવવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે MML ચૂંટણી લડશે, પરંતુ અમેરિકાના પ્રતિબંધો બાદ તેને ક્યારેય રાજકીય પાર્ટી તરીકે રજિસ્ટર કરવામાં આવી નહીં.