ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર સલમાન એફ રહમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનિસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા અને એક કલાકમાં જ તેના પર ડબલ મર્ડરનો આરોપ મુકાયો હતો.


બાંગ્લાદેશના હિન્દુ નેતાઓએ 278 સ્થળોએ હુમલાનો આરોપ લગાવ્યો


બાંગ્લાદેશમાં હિન્દુઓની સર્વોચ્ચ સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું કે 5 ઓગસ્ટે શેખ હસીનાના નેતૃત્વ હેઠળની સરકારના પતન પછી લઘુમતી હિન્દુ સમુદાયને 48 જિલ્લામાં 278 સ્થળોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. સર્વોચ્ચ સંસ્થાએ તેને 'હિંદુ ધર્મ પર હુમલો' ગણાવ્યો હતો.


બાંગ્લાદેશ નેશનલ હિંદુ ગ્રાન્ડ એલાયન્સના સભ્યોએ પણ તાજેતરના દિવસોમાં હુમલામાં થયેલા વધારા તરફ ધ્યાન દોર્યું અને કહ્યું હતું કે , 'આ દેશમાં અમારો પણ અધિકાર છે, અમારો જન્મ અહીં થયો છે.' વડા પ્રધાન હસીનાએ દેશ છોડ્યા પછી લઘુમતી હિન્દુ વસ્તીને ઘણા દિવસો સુધી હિંસાનો સામનો કરવો પડ્યો. તેમના ઘરો અને દુકાનોને બાળવામાં આવ્યા હતા.


નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે 8 ઓગસ્ટના રોજ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ તેઓ પ્રખ્યાત ઢાકેશ્વરી મંદિર ખાતે હિન્દુ સમુદાયના સભ્યોને મળ્યા અને લોકોને તેમની સરકારની ભૂમિકાનું મૂલ્યાંકન કરતા પહેલા 'ધીરજ રાખવા' વિનંતી કરી હતી. એલાયન્સના પ્રવક્તા અને કાર્યકારી સચિવ પલાશ કાંતિ ડેએ કહ્યું, 'બદલાતા રાજકીય પરિદ્રશ્યને કારણે હિંદુ સમુદાય પર તોડફોડ, લૂંટફાટ, આગચંપી, જમીન હડપ કરવાની અને દેશ છોડવાની ધમકીની ઘટનાઓ વારંવાર બની રહી છે.આ માત્ર વ્યક્તિઓ પર હુમલો નથી, પરંતુ હિંદુ ધર્મ પર હુમલો છે.'


ઢાકા ટ્રિબ્યુન અખબારે તેમને ટાંકીને કહ્યું, 'સોમવાર સુધી 48 જિલ્લામાં 278 સ્થળોએ હિંદુ સમુદાય પર હુમલા અને ધમકીઓ આપવામાં આવી છે. અમે ગૃહ બાબતોના સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ સખાવત હુસૈનને અમારી ચિંતાઓ જણાવી છે, જેમણે અમને ખાતરી આપી છે કે આગામી કેબિનેટ બેઠકમાં આ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. ગઠબંધનના પ્રમુખ પ્રભાસ ચંદ્ર રોયે રાજકીય પરિવર્તન સમયે હિંદુ સમુદાય વિરુદ્ધ વારંવાર થતી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, 'જ્યારે પણ સરકાર બદલાય છે ત્યારે હિંદુઓ પર સૌથી પહેલા હુમલો થાય છે.'