નવી દિલ્હીઃ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના સંશોધકોએ એક અભ્યાસ પછી તારણ આપ્યું હતું કે ટાલવાળા પુરુષોને કોરોના સંક્રમણનો ખતરો વધારે છે. ટાલ માટે જે હોર્મોન જવાબદાર છે, તેનો કોરોના સાથે સંબંધ હોવાનું સાબિત થયું છે.
ધ ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમાણે બ્રાઉન યુનિવર્સિટીના સંશોધકોએ સાબિત કર્યું હતું કે ટાલ માટે એન્ડ્રોજન હોર્મોન જવાબદાર છે. સંશોધકોએ એ હોર્મોન અને કોરોનાના સંક્રમણ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યો છે. સંશોધકોના કહેવા પ્રમાણે જેમને કોરોનાનું સંક્રમણ થયું હતું, એમાંના ઘણાંને વાળ ખરી દવાની સમસ્યા હતી. કોરોના સંક્રમણ માટે જેટલી બાબતો જવાબદાર છે, એમાં એક બાબત આ પણ જવાબદાર છે.
સંશોધન જેમના નેતૃત્વમાં થયું હતું એ પ્રોફેસર કાર્લોસ વેમ્બિયરે કહ્યું હતું કે કોરોના સંક્રમણ પછી મહિલાઓની તુલનાએ પુરુષોનો મૃત્યુ આંક ઊંચો છે. એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ સંશોધન હાથ ધરાયું હતું, એમાં ટાલ માટે જવાબદાર હોર્મોન્સ કોરોના થયા પછી શરીરમાં તેના ફેલાવા માટે પણ જવાબદાર હોવાનું જણાયું હતું.
પ્રોફેસર કોર્લોસના કહેવા પ્રમાણે એન્ડ્રોજન હોર્મોન શરીરમાં વાયરસને પ્રવેશવા માટે ગેટ-વેનું કામ કરે છે. સ્પેનના આંકડાના આધારે થયેલા આ સંશોધનમાં જણાયું હતું કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાંથી મોટાભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા હતી, અથવા તો ટાલ હતી. કુલ ૧૨૨ કોરોના સંક્રમિત દર્દીઓ પર આ સંશોધન હાથ ધરાયું હતું. એ દર્દીઓના રીપોર્ટનું એનાલિસિસ કરીને અહેવાલ તૈયાર કરાયો હતો. પોઝિટિવ આવેલા ૭૯ ટકા દર્દીઓને ટાલ હતી.