Saudi arabia: સાઉદી અરેબિયામાં એક મોટો અકસ્માત થયો છે. ઓછામાં ઓછા 42 ભારતીયોના મોત થયા છે. તે બધા ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા ગયા હતા. સોમવારે સવારે મુસાફરો મક્કાથી મદીના જઈ રહ્યા હતા ત્યારે બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ અકસ્માત મુફરિહાત  નજીક ભારતીય સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે થયો હતો.

Continues below advertisement

Continues below advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તે બધા હૈદરાબાદ અને તેલંગણાના રહેવાસી હતા. પ્રારંભિક માહિતી અનુસાર, અકસ્માત સમયે બસમાં આશરે 20 મહિલાઓ અને 11 બાળકો સવાર હતા.

મક્કાથી મદીના જતી વખતે અકસ્માત થયો

તીર્થયાત્રીઓ ઉમરાહ કરવા માટે મુસાફરી કરી રહ્યા હતા. મક્કામાં તેમની અરકાન (ધાર્મિક વિધિ) પૂર્ણ કર્યા પછી તેઓ મદીના જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. એવું જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે ઘણા મુસાફરો બસમાં સૂઈ રહ્યા હતા. સ્થાનિક સૂત્રોએ મૃત્યુઆંક 42 ની પુષ્ટી કરી છે. કટોકટી સેવાઓ હાલમાં બચાવ કામગીરી કરી રહી છે.

ઓવૈસીએ દુઃખ વ્યક્ત કર્યું

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરેબિયામાં બસ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું હતું કે, "મક્કાથી મદીના જઈ રહેલી 42 યાત્રાળુઓને લઈ જતી બસમાં આગ લાગી ગઈ હતી. મેં રિયાધમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ મિશનરી (ડીસીએમ) અબુ માથેન જ્યોર્જ સાથે વાત કરી હતી, જેમણે મને ખાતરી આપી કે તેઓ આ બાબતે માહિતી એકત્રિત કરી રહ્યા છે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "મેં હૈદરાબાદમાં બે ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો છે અને મુસાફરોની વિગતો રિયાધ દૂતાવાસ અને વિદેશ સચિવ સાથે શેર કરી છે. હું કેન્દ્ર સરકાર, ખાસ કરીને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને વિનંતી કરું છું કે તેઓ મૃતકોના મૃતદેહને ભારત લાવે અને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડે."

સીએમ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું

તેલંગણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ બસ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ (સીએસ) અને ડીજીપી સહિત વરિષ્ઠ અધિકારીઓને કેન્દ્રીય અને સાઉદી દૂતાવાસના અધિકારીઓનો સંપર્ક કરવા અને જરૂરી રાહત પૂરી પાડવા આદેશ આપ્યો.

એક નિવેદનમાં તેલંગણાના સીએમઓએ જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રીના આદેશ પર સીએસ રામકૃષ્ણ રાવે દિલ્હીમાં રહેલા રેસિડેન્ટ કમિશનર ગૌરવ ઉપ્પલને એલર્ટ કર્યા હતા. તેમણે તેમને રાજ્યના લોકોની સંખ્યા એકત્રિત કરવા અને માહિતી પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો."