નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટને લઈને ભારતમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનને જોતાં ઑસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે મંગળવારે પોતાના નાગરિકોને કહ્યું કે ભારતના પ્રવાસ દરમિયાન અત્યંત સાવધાની રાખે.


ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે પરામર્શ જાહેર કરીને પોતાના નાગરિકોને ભારત યાત્રા દરમિયાન ખૂબજ સતર્કતા રાખવા કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આસામ, મેઘાલય. ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગણા અને દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગમાં પ્રદર્શન થઈ રહ્યું છે. હિંસાના કેટલાક સમાચાર મળ્યા છે. સાથે તેમાં કોઈ પણ સમયે આતંકી હુમલાની આશંકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે તેમાં વિદેશીઓ અને પ્રસિદ્ધ પ્રવાસન સ્થળને નિશાન બનાવી શકે છે. યાત્રીઓને જમ્મુ કાશ્મીર અને ભારત પાકિસ્તાન સરહદ પર પણ ન જવાની સૂચના આપવામાં આવી છે.

આ પહેલા અમેરિકા, બ્રિટન, સિંગાપુર, કેનેડા અને ઈઝરાયેલે પણ પોત પોતાના નાગરિકોને ભારતના પૂર્વોત્તરમાં યાત્રાને લઈને ચેતવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શરૂ થેયલ હિંસક પ્રદર્શન પૂર્વોત્તર રાજ્યો સિવાય હવે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચી ગયું છે. રાજ્ય સરકારે ઘણી જગ્યાએ ઇન્ટરનેટ સેવાઓ પર રોક લગાવી દીધી છે.