Australia Student Visa New Rules 2026: વિદેશમાં ભણવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સહિતના દક્ષિણ એશિયાના દેશોને મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયન સરકારે 8 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવે તે રીતે ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનને સ્ટુડન્ટ વિઝા માટે 'ઉચ્ચ-જોખમ' (High-Risk Category) ધરાવતા દેશોની યાદીમાં મૂકી દીધા છે. આ નિર્ણયને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા લોઢાના ચણા ચાવવા સમાન બની શકે છે.

Continues below advertisement

શું છે આ 'હાઈ-રિસ્ક' કેટેગરી?

સરળ ભાષામાં સમજીએ તો, ઓસ્ટ્રેલિયાના સિમ્પ્લીફાઇડ સ્ટુડન્ટ વિઝા ફ્રેમવર્ક (SSVF) હેઠળ, દેશોને અલગ-અલગ લેવલમાં વહેંચવામાં આવે છે. અત્યાર સુધી ભારત 'એસેસમેન્ટ લેવલ 2' માં હતું, જેને હવે વધારીને 'એસેસમેન્ટ લેવલ 3' (Assessment Level 3) માં મૂકવામાં આવ્યું છે. જ્યારે કોઈ દેશ આ કેટેગરીમાં આવે છે, ત્યારે ત્યાંના નાગરિકોની વિઝા અરજીઓની અત્યંત બારીકાઈથી તપાસ કરવામાં આવે છે.

Continues below advertisement

વિદ્યાર્થીઓ પર શું થશે સીધી અસર?

આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં નીચે મુજબનો વધારો થશે:

કડક ચેકિંગ: હવે વિઝા ઓફિસરો દરેક અરજીની ઝીણવટભરી તપાસ (Scrutiny) કરશે.

વધારાના દસ્તાવેજો: વિદ્યાર્થીઓએ પોતાની આર્થિક સદ્ધરતા સાબિત કરવા માટે વધુ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે.

મેન્યુઅલ વેરિફિકેશન: બેંક સ્ટેટમેન્ટ અને નાણાકીય વ્યવહારોની માત્ર ડિજિટલ નહીં પણ મેન્યુઅલી તપાસ થઈ શકે છે.

ભાષાની કસોટી: અંગ્રેજી ભાષા પરની પકડ (English Proficiency) સાબિત કરવા માટે વધારાના પુરાવા માંગવામાં આવી શકે છે અને શૈક્ષણિક સંસ્થાઓનો સીધો સંપર્ક પણ કરવામાં આવી શકે છે.

શા માટે લેવાયો આ કડક નિર્ણય?

જોકે ઓસ્ટ્રેલિયન તંત્ર દ્વારા કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ નિષ્ણાતોના મતે ભારતમાં વધી રહેલા 'નકલી ડિગ્રી' અને બનાવટી દસ્તાવેજોના કૌભાંડો આ માટે જવાબદાર છે. 'ધ ઓસ્ટ્રેલિયા ટુડે'ના રિપોર્ટ મુજબ, યુએસ, યુકે અને કેનેડામાં વિઝા નિયમો કડક થતા વિદ્યાર્થીઓનો પ્રવાહ ઓસ્ટ્રેલિયા તરફ વળ્યો હતો, જેમાં ઘણા લોકોએ ખોટા દસ્તાવેજોનો સહારો લીધો હતો.

ઈન્ટરનેશનલ એજ્યુકેશન એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયાના સીઈઓ ફિલ હનીવુડના જણાવ્યા મુજબ, "અન્ય દેશોમાં પ્રવેશ ન મેળવી શકનારા વિદ્યાર્થીઓ હવે ઓસ્ટ્રેલિયા તરફ વળ્યા છે, અને કમનસીબે તેમાં નકલી નાણાકીય અને શૈક્ષણિક દસ્તાવેજોના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધ્યા છે."

આંકડા શું કહે છે?

ઓસ્ટ્રેલિયામાં હાલમાં કુલ 650,000 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ભારતનો હિસ્સો મોટો છે. અંદાજે 140,000 વિદ્યાર્થીઓ માત્ર ભારતથી જ છે. વર્ષ 2025 માં ઓસ્ટ્રેલિયામાં થયેલા કુલ એડમિશનમાં ભારત સહિતના આ ચાર દેશોનો હિસ્સો લગભગ ત્રીજા ભાગ જેટલો હતો. હવે નવા નિયમોને કારણે આ સંખ્યામાં ઘટાડો થવાની ભીતિ છે.