Bangladesh Army Rule: બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પહેલા રાજીનામું આપ્યું અને પછી દેશ છોડી દીધો છે. એવી અટકળો ચાલી રહી છે કે શેખ હસીના ભારત આવી શકે છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારત થઈને લંડન જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હવે બાંગ્લાદેશની કમાન સેનાના હાથમાં આવી ગઇ છે. આવી સ્થિતિમાં લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે પીએમના સ્થાને કયો આર્મી ઓફિસર દેશના મહત્વના નિર્ણય લેશે.
કોણ લેશે નિર્ણયો, કોણ આપશે આદેશ
બાંગ્લાદેશમાં આ પહેલીવાર નથી જ્યારે દેશની કમાન સેનાના હાથમાં આવી હોય. આવું પહેલા પણ બન્યું છે. તમને જણાવી દઈએ કે, જ્યારે દેશમાં સૈન્ય શાસન હોય છે, ત્યારે પીએમ પદ સંબંધિત તમામ નિર્ણયો આર્મી ચીફ લે છે. હાલ આર્મી ચીફ વકારુઝમાન બાંગ્લાદેશમાં જ છે. મતલબ કે હવેથી જ્યાં સુધી બાંગ્લાદેશમાં સેનાનું શાસન છે ત્યાં સુધી દેશના તમામ મહત્વના નિર્ણયો આર્મી ચીફ વકારુઝમાન લેશે.
પહેલા પણ સેના પલટી ચૂકી છે સત્તા
બાંગ્લાદેશના ઈતિહાસમાં આ પહેલીવાર નથી જ્યારે સેના અને સરકાર વચ્ચે આવો ખેલ રમાયો હોય. અગાઉ 1975માં પણ સેનાએ ત્યાં સત્તા પર કબજો કર્યો હતો. આવું પહેલીવાર 1975માં બન્યું હતું. તે સમયે દેશમાં શેખ મુજીબુર રહેમાનની સરકાર હતી. તમને જણાવી દઈએ કે, શેખ મુજીબુર રહેમાન શેખ હસીનાના પિતા હતા. તે સમય દરમિયાન જ્યારે સેનાએ દેશની સત્તા પર કબજો કર્યો હતો, ત્યારે સેનાએ લગભગ 15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર શાસન કર્યું હતું.
સેનાએ કેમ કર્યો કબજો
કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટે અનામત નાબૂદ કરી દીધું, જેના પછી ત્યાંના લોકો રસ્તા પર આવી ગયા. સરકાર પર અનામત પાછી લાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારે તેમ કર્યું ન હતું. આ પછી બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાઈ અને વિરોધ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સેના બાંગ્લાદેશમાં સત્તા પોતાના હાથમાં લઈ શકે છે.
જાણો શું છે મામલો ?
બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ છેલ્લા મહિનાથી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. તેમની માંગ છે કે દેશમાં ઉચ્ચ સરકારી હોદ્દા પર નોકરીઓમાં અનામત નાબૂદ કરવામાં આવે. આ આંદોલન એકદમ હિંસક બની ગયું હતું, જેમાં અત્યાર સુધીમાં લગભગ 300 લોકોના મોત થયા છે. બાદમાં વિદ્યાર્થીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ પર અડગ રહ્યા હતા.
-