Bangladesh Government Crisis: પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સ્થિતિ વણસી ગયા બાદ વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે (5 ઓગસ્ટ 2024) ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડીને જતા રહ્યા હોવાના અહેવાલ છે. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે.


બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા સેનાના હાથમાં છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ 4,096 કિલોમીટર લાંબી છે. BSFએ તમામ બોર્ડર યુનિટ પર એલર્ટ જાહેર કરી દીધું છે. પાડોશી દેશમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.






હિંસક વિરોધ વચ્ચે રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ રાજધાની ઢાકા છોડીને પોતાની બહેન સાથે સલામત સ્થળે જવા રવાના થયા હતા. આરક્ષણના વિરોધમાં લગભગ 300 લોકો માર્યા ગયા હોવાના કારણે વિરોધીઓએ હસીનાના રાજીનામાની માંગ કરી ત્યારે આ ઘટના બની છે.


ઈન્ટરનેટ સર્વિસ સ્થગિત


બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આંદોલનકારીઓ હવે વડાપ્રધાનના નિવાસ સ્થાનમાં ઘૂસી ગયા છે. ઈન્ટરનેટ બંધ, કર્ફ્યૂ છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી. રસ્તા પરથી પોલીસને હટાવીને સેના તૈનાત કરી દેવામાં આવી છે.


ભારત સરકારે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી


ભારત સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે અને તેના નાગરિકોને હાલમાં બાંગ્લાદેશની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. બાંગ્લાદેશમાં હિંસક વિરોધને ધ્યાનમાં રાખીને, શેખ હસીનાએ રવિવારે  રાષ્ટ્રીય સુરક્ષા બાબતોની સમિતિની બેઠક બોલાવી હતી, જેમાં તે આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, રેપિડ એક્શન બટાલિયનને મળી હતી. જેમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) અને અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


બાંગ્લાદેશમાં આ પહેલીવાર નથી જ્યારે દેશની કમાન સેનાના હાથમાં આવી હોય. આવું પહેલા પણ બન્યું છે. જ્યારે દેશમાં સૈન્ય શાસન હોય છે, ત્યારે પીએમ પદ સંબંધિત તમામ નિર્ણયો આર્મી ચીફ લે છે. હાલ આર્મી ચીફ વકારુઝમાન બાંગ્લાદેશમાં છે. મતલબ કે હવેથી જ્યાં સુધી બાંગ્લાદેશમાં સેનાનું શાસન છે ત્યાં સુધી દેશના તમામ મહત્વના નિર્ણયો આર્મી ચીફ વકારુઝમાન લેશે.


આ પહેલા પણ થઈ ચુક્યું છે આમ


બાંગ્લાદેશના ઈતિહાસમાં આ પહેલીવાર નથી જ્યારે સેના અને સરકાર વચ્ચે આવી રમત થઈ હોય. અગાઉ 1975માં પણ સેનાએ ત્યાં સત્તા પર કબજો કર્યો હતો. આવું પહેલીવાર 1975માં બન્યું હતું. તે સમયે દેશમાં શેખ મુજીબુર રહેમાનની સરકાર હતી. શેખ મુજીબુર રહેમાન શેખ હસીનાના પિતા હતા. તે સમય દરમિયાન જ્યારે સેનાએ દેશની સત્તા પર કબજો કર્યો હતો, ત્યારે સેનાએ લગભગ 15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર શાસન કર્યું હતું