શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે કહ્યું છે કે તેમની માતા રાજનીતિમાં પાછા નહીં ફરે. તેમણે કહ્યું કે તેમની માતા શેખ હસીના તેમના નેતૃત્વ વિરુદ્ધ થયેલા તાજેતરના બળવાથી "ખૂબ નિરાશ" છે. તેમનું કહેવું છે કે બાંગ્લાદેશને સુધારવાના તેમના મહત્વપૂર્ણ પ્રયાસો છતાં તેમને આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જોયના કહેવા પ્રમાણે, વિરોધને કારણે તે પહેલાથી જ રાજીનામું આપવાનું વિચારી રહ્યા હતા.
વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર બાંગ્લાદેશમાં અનામત સિસ્ટમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. શેખ હસીનાએ કર્ફ્યુ લગાવ્યું અને સૈન્યને સડકો પર ઉતાર્યા પછી વિરોધ શમી ગયો હતો. થોડા દિવસો પછી વિરોધ હિંસક બન્યો અને દેશભરમાં હિંસા જોવા મળી અને વિરોધીઓએ શેખ હસીનાના રાજીનામાની માંગ કરવાનું શરૂ કર્યું. આ પછી હસીનાએ પોતાનું પદ અને દેશ છોડવો પડ્યો હતો.
પુત્રએ શેખ હસીનાના કાર્યકાળનો બચાવ કર્યો
શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર પરિવારે તેમને દેશ છોડવાની અપીલ કરી હતી. જોયે તેમની માતાના કાર્યકાળનો બચાવ કરતા કહ્યું, "તેમણે બાંગ્લાદેશનું પરિવર્તન કર્યું છે. જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે તે એક નિષ્ફળ દેશ માનવામાં આવતો હતો. તે એક ગરીબ દેશ હતો. આજે તે એશિયાના ઉભરતા દેશમાંનો એક માનવામા આવે છે.
હસીનાના પુત્રએ ક્વોટા સિસ્ટમ સામેના વિરોધને દબાવવા માટે હસીના સરકારના પ્રયાસોનો પણ બચાવ કર્યો હતો. હસીનાના પુત્રએ કહ્યું કે હિંસાને ધ્યાનમાં રાખીને લેવાયેલા પગલાં જરૂરી છે.
વિરોધ પક્ષોના નેતાઓ રાષ્ટ્રપતિને મળ્યા હતા
બાંગ્લાદેશના પીએમ પદ પરથી શેખ હસીનાના રાજીનામા બાદ અહીં વચગાળાની સરકાર બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આર્મી ચીફે પોતે તેની જાહેરાત કરી છે. તેમણે વિવિધ રાજકીય પક્ષો સાથે વાતચીતની પણ વાત કરી હતી. આ પછી સમાચાર આવ્યા છે કે વિરોધ પક્ષોના નેતાઓ રાષ્ટ્રપતિને મળ્યા છે.