બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ (Bangladesh) વર્તમાન સંસદના ભંગની જાહેરાત કરી છે, જે જાન્યુઆરી 2024 માં ચૂંટણી પછી રચવામાં આવી હતી. વધુમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, વિરોધ પક્ષના સભ્યો સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.






નેતાઓ અને વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ


આ બેઠકમાં ત્રણેય સેનાઓના વડાઓ અને વિપક્ષના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, બાંગ્લાદેશમાં કોઈપણ વિલંબ કર્યા વિના વચગાળાની સરકાર રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં સર્વસંમતિથી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ બેગમ ખાલિદા જિયા અને અનામત આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા વિદ્યાર્થી નેતાઓ સહિત અન્ય તમામ રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


હિંસા સામે કાર્યવાહી કરવાનો આદેશ


દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા લોકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. સૈન્યને લૂંટફાટ અને કોઈપણ હિંસક ઘટના સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે BNP પ્રમુખ ખાલિદા ઝિયાને કોઈપણ વિલંબ કર્યા વિના મુક્ત કરવામાં આવે.


શેખ હસીના દેશ છોડીને ભાગ્યા


બાંગ્લાદેશના વડાપ્રધાન પદ છોડ્યા પછી શેખ હસીનાએ તેમનો દેશ પણ છોડવો પડ્યો હતો, જે હાલમાં ભારતમાં છે. શેખ હસીનાનું વિમાન ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતર્યું હતું.  બીજી તરફ બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ભીડ રસ્તા પર ઉતરી હતી. જેણે બપોરે પીએમ આવાસમાં ઘૂસીને ભારે લૂંટ ચલાવી હતી. જે બાદ અવામી લીગના ઘણા સાંસદો અને મંત્રીઓના ઘરો, ઓફિસો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને આગ લગાવવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ચાર હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.


લોકોએ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડી


બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ થઈ રહેલી હિંસાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે 1971માં બાંગ્લાદેશને આઝાદી અપાવનાર શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પર લોકો ચઢી જાય છે અને તેને હથોડીથી તોડવા લાગે છે.