British Mp Supports Pm Modi : બીબીસીને લઈને ઉભા થયેલા વિવાદમાં હવે બ્રિટનના જ એક સાંસદે વડાપ્રધાન નરેંન્દ્ર મોદીનું ખુલ્લુ સમર્થન કર્યું હતું. સાથે જ તેમણે બીબીસીનો બરાબરનો ઉધડો લઈ લીધો હતો. તેમણે બીબીસીને ભારત પ્રત્યે નફરત ધરાવતી, ભારત સરકાર વિરૂદ્ધ પ્રોપેગેંડા ફેલાવનારી અને ભારતીય ન્યાય વ્યવસ્થા પર જ સવાલ ઉભા કરનારી ગણાવીને બરાબરની વખોડી હતી. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડોક્યુમેન્ટ્રી 'નફરત ભરેલુ કૃત્ય' હતી. તે ખરાબ પત્રકારત્વ, ખરાબ સંશોધન અને પીએમ મોદી વિરુદ્ધ કલંક હતું જે સંપૂર્ણપણે અયોગ્ય છે. બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને આમ કહ્યું હતું. સાંસદે બીબીસીનો બરાબરનો ઉધડો લેતા વધુમાં કહ્યું હતું કે, બ્રોડકાસ્ટર (બીબીસી) 'બ્રિટિશ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતું'. થોડા દિવસો પહેલા ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ ઉભો થયો હતો. તેનું નામ 'ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' છે. દસ્તાવેજી ફિલ્મને ભારત સરકારના પ્રોપેગેંડાના ભાગ રૂપે વર્ણવવામાં આવી હતી.


એક જાણીતી ભારતીય સમાચાર ચેનલ સાથે વાત કરતા બ્લેકમેને કહ્યું હતું કે, બે એપિસોડની ડોક્યુમેન્ટ્રી એ બતાવવાનો પ્રયાસ કરે છે કે, ભારતની ન્યાયિક પ્રણાલી પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. ભારતની ન્યાય વ્યવસ્થા રાજકારણથી સંપૂર્ણપણે અલગ અને સંપૂર્ણ સ્વતંત્ર છે. બોબે એમ પણ કહ્યું હતું કે, બીબીસી ડોક્યુમેન્ટ્રી ભારતને 'બિન-સેક્યુલર દેશ' તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે, ભારત તમામ ધર્મો અને તમામ પૃષ્ઠભૂમિના લોકોને અપનાવે છે. તેથી જે ડોક્યુમેન્ટરીએ ભારતનું 'ખૂબ ખરાબ' ચિત્ર રજૂ કર્યું છે તે મારા મતે તદ્દન ખોટું છે.


ડોક્યુમેન્ટ્રીને ગણાવી 'નબળું રિસર્ચ'


બીબીસીની ડોક્યુમેન્ટરી કથિત રીતે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બનેલી ઘટનાઓ વિશે વાત કરે છે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેણે ભારત અને વિદેશમાં મોટો વિવાદ સર્જ્યો હતો. બ્રિટિશ સાંસદે કહ્યું હતું કે, 'BBB બ્રિટિશ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ કરતું નથી.' તેમણે આગળ કહ્યું હતું કે, 'લોકોને કહો કે બીબીસી પર જે પ્રસારિત થાય છે તેનાથી સાવચેત રહે. આ ડોક્યુમેન્ટરીના કિસ્સામાં ખૂબ જ નબળું રિસર્ચ કરવામાં આવ્યું છે.


બ્રિટિશ સાંસદે કરી આકરી નિંદા


બ્રિટિશ સાંસદે કહ્યું હતું કે, 'અમે તેની નિંદા કરીએ છે અને મને લાગે છે કે, બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરાના ઘણા લોકોએ પણ તેની નિંદા કરી છે.' ભારત સરકારે તેને 'પ્રોપેગન્ડા પીસ' ગણાવ્યો છે અને સોશિયલ મીડિયા પર આને લગતી ક્લિપ્સ હટાવવાનો આદેશ આપ્યો છે. બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિક્રિયા આપતા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે સંસદમાં કહ્યું હતું કે, તેઓ પીએમ મોદીના આવા પાત્રાલેખન સાથે સહમત નથી. આ ડોક્યુમેન્ટરી સામે યુકેમાં પણ ભારે વિરોધ થયો હતો.