US Presidential Election 2024 : ભારતીય મૂળની નિક્કી હેલીએ અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ વહીવટ દરમિયાન દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી એમ્બેસેડર નિક્કી હેલીએ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીનું નામાંકન મેળવવા માટે પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે. આ સ્થિતિમાં તેમને પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા તેમણે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેણીએ કહ્યું હતું કે, તે 2024 માં વ્હાઇટ હાઉસ માટે તેના ભૂતપૂર્વ બોસને પડકારશે નહીં. પરંતુ અચાનક જ નિક્કી હેલીએ એક વીડિયો સંદેશ દ્વારા ચૂંટણી માટે પોતાનો દાવો રજૂ કરીને સૌકોઈને ચોંકાવી દીધા છે. 51 વર્ષીય નિક્કી હેલી બે વખત સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચૂક્યા છે. અગાઉ ટ્રમ્પ તેમની પાર્ટી વતી 2024ની ચૂંટણી માટે દાવો રજૂ કરનાર એકમાત્ર નેતા હતા. પરંતુ નિક્કી હેલીએ પણ આ રેસમાં ઝંપલાવ્યું છે. જેથી ટ્રમ્પ માટે એક મોટો પડકાર બની ગયો છે.


વીડિયો મેસેજમાં શું કહ્યું?


તેમણે એક વિડિયો સંદેશમાં કહ્યું હતું કે, "હું નિક્કી હેલી છું, અને હું પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી રહી છું," તેમણે ઉમેર્યું હતું કે, અમારા હેતુને વધુ મજબુત બનાવવા માટે આ નવી પેઢીના નેતૃત્વનો સમય છે. ચીન અને રશિયા આગળ વધી રહ્યા છે. તેમને લાગે છે કે અમને ધમકાવી શકાય છે, લાત મારી શકાય છે. પરંતુ હું ધમકાવનારાઓથી ડરતી નથી. હું નિક્કી હેલી છું અને હું રાષ્ટ્રપતિ માટે ચૂંટણી લડી રહી છું.


આ જાહેરાત ત્યારે થઈ છે જ્યારે તેમણે 1 ફેબ્રુઆરીએ ટ્વિટ કર્યું હતું કે, 15 ફેબ્રુઆરીના રોજ હું અને મારો પરિવાર એક મોટી જાહેરાત કરીશું અને હા, તે દક્ષિણ કેરોલિના માટે ખરેખર એક મહાન દિવસ હશે. હેલીનો જન્મ શીખ માતાપિતા અજીત સિંહ રંધાવા અને રાજ કૌર રંધાવાને ત્યાં થયો હતો. તેઓ 1960ના દાયકામાં પંજાબથી કેનેડા અને ત્યાર બાદ અમેરિકા ગયા હતાં.


ભારતીય અમેરિકનોએ આ જાહેરાતને આવકારી 


ભારતીય અમેરિકનોએ આ જાહેરાતને આવકારી છે. રિપબ્લિકન ફંડરેઝર સંપત શિવાંગીએ કહ્યું હતું કે, વિશાળ અને પ્રભાવશાળી ભારતીય અમેરિકન સમુદાય તેમને આગામી દિવસોમાં સફળતાની શુભેચ્છા પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે તેઓ 2024માં રિપબ્લિકન નોમિની બને. તેમને અમારા સમુદાયનું સંપૂર્ણ સમર્થન છે. હેલીમાં એક ખાસ ગુણ એ છે કે, તે તેમના મૂળ અને તેમની પૂર્વજોની માતૃભૂમિ ભારતને ભૂલ્યા નથી. તેઓ ભારતની મુલાકાતે આવ્યા અને આપણા પ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં.


નિક્કી હેલીની રાજકીય સફર


હેલીના પિતા પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને તેની માતાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. 39 વર્ષની ઉંમરે હેલી અમેરિકામાં સૌથી નાની વયની ગવર્નર બન્યા હતાં. તેમણે જાન્યુઆરી 2011માં પદ સંભાળ્યું હતું અને દક્ષિણ કેરોલિનાના પ્રથમ મહિલા ગવર્નર તરીકે ઇતિહાસ રચ્યો હતો. તે રાજ્યની પ્રથમ ભારતીય અમેરિકન ગવર્નર પણ હતા. જાન્યુઆરી 2017થી ડિસેમ્બર 2018 સુધી તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં યુએસના 29મા રાજદૂત તરીકે સેવા આપી હતી.