રશિયામાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા 4 ભારતીય વિદ્યાર્થીઓનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. જોકે, એકનો બચાવ થયો હતો. તમામ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી હતા અને રશિયાના વેલિકી નોવગોરોડ શહેરમાં અભ્યાસ કરતા હતા. તેમના મૃતદેહને જલ્દીથી પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ મોસ્કોમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને વિદ્યાર્થીઓને એલર્ટ કરી દીધા છે.
ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું છે કે, રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓના ડૂબી જવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ વારંવાર બની રહી છે. વર્ષ 2023માં આવી બે ઘટનાઓ બની હતી અને 2022માં ડૂબી જવાથી ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુના છ કેસ નોંધાયા હતા. તેથી એમ્બેસીએ તમામ ભારતીય વિદ્યાર્થીઓને દરિયાકિનારે, નદીઓ, તળાવો વગેરેની મુલાકાત લેતી વખતે અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે. એમ્બેસીએ કહ્યું કે જરા પણ બેદરકાર ન રહો. જો તમે આવી જગ્યાઓ પર જતા હોવ તો તમારી સાથે જરૂરી સુરક્ષા સાધનો લઈ જાવ.
ભારતના કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે, અમે પીડિત પરિવારોના સંપર્કમાં છીએ અને તેમને તમામ પ્રકારની સહાય પૂરી પાડી રહ્યા છીએ. મૃતકોના મૃતદેહોને તેમના ઘરે વહેલામાં વહેલી તકે મોકલવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે કામ કરવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે તેને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેની હાલત ખતરાની બહાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકોમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે. આ તમામની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે છે. જલગાંવના જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે કહ્યું, “અમે વિદેશ મંત્રાલયની મદદથી રશિયામાં આપણા દૂતાવાસ અને સેન્ટ પીટર્સબર્ગમાં કોન્સ્યુલેટ જનરલનો સંપર્ક કર્યો. તેઓએ પીડિત પરિવારોને ઘણી મદદ કરી. અમે પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓને પણ સહકાર આપી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ મૃતદેહને ભારત પરત મોકલવામાં આવશે.