ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે સોશિયલ મીડિયા પર એક નવી જ અફવા ફેલાઈ છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો દાવો કરી રહ્યા છે કે આ વીડિયો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી બનાવેલો છે અને નેતન્યાહૂ કદાચ જીવિત નથી! વીડિયોની એક ફ્રેમમાં નેતન્યાહૂના હાથમાં 6 આંગળીઓ દેખાતી હોવાનો દાવો થતાં જ ઈન્ટરનેટ પર હડકંપ મચી ગયો છે. જોકે, હકીકતમાં આ માત્ર કેમેરા એંગલ અને લાઈટિંગનો કમાલ છે, જેને ફેક્ટ-ચેકર્સે પણ સાબિત કરી દીધું છે.

ફ્રેમ-બાય-ફ્રેમ તપાસ અને AI નો દાવો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોએ આ વીડિયોને ધીમો કરીને અને ફ્રેમ-બાય-ફ્રેમ ચેક કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક એવો સ્ક્રીનશોટ વાયરલ થયો જેમાં નેતન્યાહૂ માઈક પાસે હાથ લાવીને ઈશારો કરી રહ્યા છે, અને તેમનો હાથ થોડો વિચિત્ર દેખાઈ રહ્યો છે. લોકોએ પકડી પાડ્યું કે હાથમાં 5 ને બદલે 6 આંગળીઓ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે AI દ્વારા જનરેટ કરાયેલા ફોટા કે વીડિયોમાં હાથની આંગળીઓમાં ભૂલ થવી એ બહુ સામાન્ય બાબત છે. બસ, પછી તો પ્લેટફોર્મ પર 'ડિજિટલ ગ્લિચ' અને એક્સ્ટ્રા આંગળીના દાવાઓ વાયરલ થવા લાગ્યા.

Continues below advertisement
Continues below advertisement

નેતન્યાહૂ ક્યાં છે? લોકોના ઉઠ્યા સવાલો

આ વાયરલ પોસ્ટ્સ બાદ લોકોએ નેતન્યાહૂ ક્યાં છે અને તેમની સુરક્ષા અંગે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું.

એક વાયરલ પોસ્ટમાં સીધો દાવો કરાયો કે, "ઇઝરાયલ સરકારે બહાર પાડેલો લેટેસ્ટ વીડિયો AI થી બનાવેલો છે, કારણ કે નેતન્યાહૂને 6 આંગળીઓ છે."

બીજા ઘણા લોકોએ પૂછ્યું કે જો ઇઝરાયલી નેતા ખરેખર સુરક્ષિત છે, તો સરકાર શા માટે તેમનું AI થી બનાવેલું નકલી ભાષણ શેર કરી રહી છે?

આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા અને અટકળોનું બજાર એટલું ગરમ થઈ ગયું કે અમેરિકાના જાણીતા રૂઢિચુસ્ત ટીકાકાર કેન્ડેસ ઓવેન્સે પણ X પર પોસ્ટ કરીને પૂછ્યું, "બીબી ક્યાં છે?" (નેતન્યાહૂનું હુલામણું નામ બીબી છે). તેમણે એવો પણ સવાલ કર્યો કે શા માટે તેમની ઓફિસ કથિત રીતે નકલી AI વીડિયો પોસ્ટ કરીને ડિલીટ કરી રહી છે.

ફેક્ટ-ચેકર્સ અને AI ચેટબોટ 'Grok' નો ખુલાસો

આ બધી અફવાઓ વચ્ચે પ્લેટફોર્મ X ના પોતાના AI ચેટબોટ 'Grok' અને ફેક્ટ-ચેકર્સે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું.

દાવાઓને ફગાવતા Grok એ સ્પષ્ટ કર્યું કે નેતન્યાહૂને સામાન્ય માણસની જેમ બંને હાથમાં 5 જ આંગળીઓ છે. વાયરલ થઈ રહેલો સ્ક્રીનશોટ માત્ર એક 'ઓપ્ટિકલ ઈલ્યુઝન' (દ્રષ્ટિભ્રમ) છે. ભાષણ આપતી વખતે પોડિયમ પર તેમના હાથનો એંગલ અને માઈકની લાઈટિંગ એવી રીતે પડી કે જેનાથી આંગળીઓ વિકૃત અને 6 હોય તેવી દેખાઈ રહી હતી.

નોંધનીય છે કે, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે હવે 15 મા દિવસમાં પ્રવેશ કર્યો છે. આ જ યુદ્ધ વિશે માહિતી આપવા નેતન્યાહૂએ શુક્રવારે આ વીડિયો સંદેશ શેર કર્યો હતો, જેના પર આટલો મોટો વિવાદ ઊભો થયો.