વોશિંગ્ટનઃ અમેરિકન સૈન્યના એક ઓપરેશનમાં આઇએસઆઇએસ ચીફ અબુ ઇબ્રાહિમ અલ-હાશઇમી અલ-કુરૈશી માર્યો ગયો છે. અમેરિકન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીના મતે આતંકી અલ કુરેશીએ પોતાને પરિવાર સહિત બોમ્બથી ઉડાવી દીધો હતો. મિશન દરમિયાન છ બાળકો અને ચાર મહિલાઓ સહિત 13 માર્યા ગયા છે. મિશનમાં તમામ અમેરિકન સુરક્ષિત પાછા ફર્યા હતા. રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. આ આખુ સૈન્ય ઓપરેશન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ અને રાષ્ટ્રપતિની નેશનલ સિક્યોરિટી ટીમે લાઇવ જોયું હતું.


 બાઇડેને પોતાના ટ્વિટમાં  જણાવ્યું હતુ કે ગઇકાલે મારા નિર્દેશ પર અમેરિકન સૈન્ય દળોએ સફળતાપૂર્વક એક આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આપણા સશસ્ત્ર દળોને બહાદુરી માટે ધન્યવાદ. અમે આઇએસઆઇએસના નેતા અબુ ઇબ્રાહિમ અલ હાશિમી અલ કુરેશીને યુદ્ધના મેદાન પરથી હટાવી દીધો હતો.






 વ્હાઇટ હાઉસે કહ્યું કે અબુ ઇબ્રાહિમ અલ હાશિમી અલ-કુરેશીએ બોમ્બથી પોતાને અને પોતાના પરિવારના સભ્યોને ઉડાવ્યા હતા. આ મિશનમાં 24 કમાન્ડો સામેલ હતા જે જેટ, રીપર ડ્રોન અને હેલિકોપ્ટર ગનશીપ સાથે હતા. અમેરિકન કમાન્ડોએ આતંકીના ઘરને ઘેરી લીધું હતું અને મહિલાઓ અને બાળકોને બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અલ કુરેશીએ આત્મઘાતી હુમલો કર્યો હતો.


 સ્થાનિક નિવાસીઓ અને કાર્યકર્તાઓના મતે લડાઇમાં અનેક નાગરિકો માર્યા ગયા છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અને સીરિયન સિવિલ ડિફેન્સે અનેક મહિલાઓ અને બાળકો સહિત 13ના મોત થયા છે. અલ-કુરેશી આઇએસઆઇએસના પૂર્વ ચીફ અબુ બકર અલ બગદાદીના મોત બાદ સંગઠનનો નેતા બન્યો હતો.