વોશિંગ્ટનઃ અમેરિકાના ટેક્સાસમાં એક આતંકવાદીએ શનિવારે યહૂદી ધર્મસ્થાન એટલે કે સિનેગોગ  પર હુમલો કરીને 4 લોકોને બંદી બનાવ્યા હતા. ટેક્સાસ પોલીસ, સ્વાટ-સ્ક્વોડ અને એફબીઆઈની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને  ચારે લોકોનો છૂટકારો કરાવીને આતંકવાદીને ઝડપી લીધો હતો.


આતંકવાદીએ હુમલો ટેક્સાસની જેલમાં બંધ પાકિસ્તાની ન્યૂરો-સાયન્ટિસ્ટ આફિયા સિદ્દિકીને છોડાવવા કર્યો હતો. આફિયાને અલ કાયદા સાથે સંબંધ રાખવાના આરોપમાં અમેરિકાની કોર્ટે સજા ફચકારી હતી અને હાલમાં જેલમાં બંધ છે. આફિયા સિદ્દિકીને છોડાવવા હુમલો થતાં કે આ આતંકી હુમલો આફિયા સિદ્દિકીના ભાઈ મુહમ્મદ સિદ્દીકીએ કર્યો હોવાના અહેવાલ કેટલાક મીડિયામાં આવ્યા હતા. આ હુમલા પછી મુહમ્મદ સિદ્દીકીએ આ આરોપોનું ખંડન કરીને કહ્યું કે, પોતે કાયદામાં માને છે અને આ કેસમાં અયોગ્ય રીતે પોતાનું નામ આવવાથી તે નારાજ છે.


આ ઘટનાના પગલે આફિયા સિદ્દિકી ચર્ચામાં આવી ગઈ છે. પાકિસ્તાનની નાગરિક ડો. આફિયા સિદ્દીકી પર અલકાયદા માટે કામ કરવાનો આરોપ છે.  મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી ન્યૂરો-સાયન્સમાં પીએચડી કરનારી આફિયા સિદ્દીકીનું નામ 2003માં આતંકી ખાલિદ શેખ મોહમ્મદની પૂછપરછમાં બહાર આવ્યું હતું. આ પહેલાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા પછી એફબીઆઈએ મે 2002માં આફિયા અને તેના પતિ અમદદ ખાનની લાંબી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પછી આફિયા ગાયબ થઈ ગઈ હતી.


શેખે એફબીઆઈને આફિયા સિદ્દિકી વિશે જણાવ્યું હતું. તેના આધારે આફિયાની શોધખોળ શરૂ થઈ અને છેવટે આફિયાની અફઘાનિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી. આફિયાએ બગરામની જેલમાં એક એફબીઆઈ અધિકારીને મારવાની કોશિશ કરી હતી, એ પછી તેને અમેરિકા મોકલી દેવાઈ હતી.


આફિયા પોતાને સામાજિક કાર્યકર પણ ગણાવે છે.  જો કે તેના પર આરોપ છે કે, આફિયાની ચેરિટી સંસ્થાએ કેન્યામાં અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો.


 ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટે બંદી છૂટી ગયા હોવાની માહિતી આપી છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડન પણ આ ઘટનાનું સતત અપડેટ લઈ રહ્યા હતા.




--