Israel Hamas War PM Benjamin Netanyahu Cabinet Meeting: છેલ્લા એક અઠવાડિયાથી પણ વધુ સમયથી ઇઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને પક્ષો સામે સામે મિસાઇલ એટેક કરી રહ્યાં છે. આ યુદ્ધમાં અત્યારે હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે અને મૃત્યુ પણ પામ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે (15 ઓક્ટોબર) હમાસ સાથે યુદ્ધની શરૂઆત પછી દેશની કટોકટી સરકારની કેબિનેટની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેબિનેટે દક્ષિણ ઇઝરાયેલ પર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું.


ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બેઠક દરમિયાન કહ્યું કે, અમે દિવસના 24 કલાક એક થઈને અને ટીમ વર્ક સાથે કામ કરીએ છીએ. આપણી અંદર રહેલી એકતા લોકો, દુશ્મનો અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપે છે. એક ટોચના વિપક્ષી ઇઝરાયેલના રાજકારણીએ બુધવારે (ઓક્ટોબર 13) જાહેરાત કરી કે તેઓ નેતન્યાહૂ સાથે યુદ્ધ સમયની એકતા સરકારમાં જોડાવા માટે કરાર પર પહોંચ્યા છે.


તમામ મંત્રીઓએ એક મિનીટનું મૌન પાળ્યું 
ઇઝરાયેલના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને લશ્કરી વડા બેની ગેન્ટ્ઝે નેતન્યાહૂ સાથે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પાંચ સભ્યોની યુદ્ધ-વ્યવસ્થાપન કેબિનેટની રચના કરશે. જ્યાં સુધી લડાઈ ચાલુ રહેશે ત્યાં સુધી સરકાર એવો કોઈ કાયદો કે નિર્ણય પસાર કરશે નહીં જે યુદ્ધ સાથે સંબંધિત ના હોય. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બેઠકમાં કહ્યું કે હું સરકારના સભ્યોને વિનંતી કરું છું કે તેઓ આપણા દેશના લોકો અને નિર્દયતાથી માર્યા ગયેલા આપણા હીરો સેનાનીઓની યાદમાં એક મિનિટનું મૌન પાળે. પીએમના અનુરોધ બાદ બેઠકમાં હાજર તમામ મંત્રીઓએ એક મિનિટનું મૌન પાળ્યું હતું. આ દરમિયાન નેતન્યાહૂએ કહ્યું કે રાષ્ટ્રીય કટોકટી સરકારની આ પ્રથમ બેઠક છે.


અમે હમાસના ટુકડે ટુકડા કરી દેશું 
બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે મેં અમારા અદભૂત લડવૈયાઓને જોયા જેઓ હવે આગળની હરોળ પર છે, તેઓ જાણે છે કે આખો દેશ તેમની પાછળ છે. તેઓ કાર્યની તીવ્રતા સમજે છે. તેઓ લોહી ચૂસનારા રાક્ષસો અને જેઓ આપણો નાશ કરવા માંગે છે તેમને ખતમ કરવા માટે કોઈપણ ક્ષણે કાર્ય કરવા તૈયાર છે. જો હમાસ વિચારે છે કે અમે તૂટી જઈશું તો એવું નથી. અમે હમાસના ટુકડે ટુકડા કરી નાંખીશું.