Israel Hamas War Live Update: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. બંને પક્ષો વચ્ચે યુદ્ધ સતત ખતરનાક બની રહ્યું છે. આ યુદ્ધને વિનાશક સ્વરૂપ લેતું રોકવા માટે વિશ્વના ઘણા મોટા દેશો પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ અમેરિકા ઈસ્લામિક દેશો સાથે સંપર્કમાં છે. બીજી તરફ રશિયા અને ચીન પણ વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.






નોંધનીય છે કે 7 ઓક્ટોબરના રોજ ઉગ્રવાદી જૂથ હમાસના હુમલાખોરોએ ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડ્યા હતા અને ઈઝરાયેલમાં પ્રવેશ્યા બાદ ઈઝરાયેલના નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. આ પછી ઈઝરાયેલે તરત જ યુદ્ધની ઘોષણા કરી હતી ત્યારબાદ ઈઝરાયેલના સુરક્ષા દળોએ પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો હતો.


9 દિવસના યુદ્ધ પછી ઇઝરાયેલમાં મૃત્યુઆંક 1400 છે, જેમાંથી સૈનિકોની સંખ્યા 286 છે અને 3,227 લોકો ઘાયલ છે, જ્યારે પેલેસ્ટાઇનની વાત કરીએ તો તેમની સ્થિતિ વધુ ખરાબ છે. તાજેતરની માહિતી અનુસાર, ઇઝરાયેલના હવાઈ હુમલામાં 2670 પેલેસ્ટિનિયન લોકો માર્યા ગયા અને 9714 લોકો ઘાયલ થયા છે.


ટોચના અમેરિકાના અધિકારીઓએ ચેતવણી આપી છે કે લેબનોન સાથેની ઇઝરાયેલની ઉત્તરીય સરહદે વધી રહેલી અથડામણો વચ્ચે યુએસ યુદ્ધ જહાજનું યુદ્ધ ક્ષેત્રમાં જવાથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ ભયાનક બની શકે છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને અમેરિકન ટીવી ચેનલ સીબીએસને જણાવ્યું કે આ યુદ્ધ વધવાથી અને ઉત્તરમાં બીજો મોરચો ખોલવાને કારણે ઈરાન યુદ્ધમાં સામેલ થવાનો ભય છે.


ઈઝરાયલ અને હમાસ વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ પર ઈઝરાયેલની સેનાએ કહ્યું કે હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલ પર ઓછામાં ઓછી 4 એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો છોડી હતી, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. તેના પર ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે સેના લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કરીને જવાબ આપી રહી છે. આ યુદ્ધ દરમિયાન ભારતીય મૂળની મહિલાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને દેશ માટે શહીદ થઈ હતી.


ઈઝરાયેલે ગાઝા બોર્ડર પર મહિલા સૈનિકોને પણ તૈનાત કર્યા છે. આ દરમિયાન ભારતીય મૂળની મહિલાઓને પણ બોર્ડર પર તૈનાત કરવામાં આવી હતી. આ ક્રમમાં કિમ ડોકરકર અને ઓ મોજજ નામની મહિલા સૈનિકો શહીદ થઈ હતી. હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને ઈઝરાયેલની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.


આ સિવાય યુદ્ધ દરમિયાન ઈઝરાયેલે ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં ટેન્ક તૈનાત કરી છે અને ગ્રાઉન્ડ ઓપરેશન માટે ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે. નોંધનીય છે કે ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં રહેતા પેલેસ્ટાઈનીઓને આ જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે, ત્યારબાદ તે હમાસના હુમલાખોરો વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી શકે છે.